અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયસસ આ પ્રસંગે હાજર હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, સર્બાનંદ સોનોવાલ, મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમ આયોજિત કરાયા છે.
ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસે મહાત્મા ગાંધીનાં રાજ્ય અને દેશમાં હાજર રહેવાની ખુશી વ્યક્ત કરી હતી જેને તેમણે ‘વિશ્વનું ગૌરવ’ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની શરૂઆત પાછળ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભારતની ફિલસૂફી પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રની સ્થાપના ઐતિહાસિક છે અને તે ગેમ ચેન્જર સાબિત થશે. તેમણે માહિતી આપી હતી કે આ કેન્દ્રને પુરાવા, ડેટા અને ટકાઉપણું અને પરંપરાગત દવાઓના ઉપયોગના ઑપ્ટિમાઇઝેશનની કાર્યસૂચિને આગળ વધારવા માટે નવીનતાના એન્જિન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. મોરેશિયસના વડાપ્રધાનએ તેમના દેશમાં આયુર્વેદને આપવામાં આવતા મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો વિચાર તેમને મહામારીના સમયે આવ્યો હતો જ્યારે આયુષે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો અને આયુષ ઉત્પાદનોમાં રસ અને માગમાં વધારો જોવા મળ્યો હતો.
આયુષ સેક્ટર દ્વારા કરાયેલી પ્રગતિનું વર્ણન કરતા વડાપ્રધાનએ કહ્યું કે “આપણે આયુષ દવાઓ, સપ્લિમેન્ટ્સ અને સૌંદર્ય પ્રસાધનોનાં ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. 2014માં, જ્યાં આયુષ ક્ષેત્ર 3 અબજ ડૉલરથી ઓછું હતું, આજે તે વધીને 18 અબજ ડૉલરથી વધુ થઈ ગયું છે. આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં મોટાં પગલા લીધાં છે. થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં જ ભારતમાંથી અત્યાર સુધીમાં 14 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. “મને ખાતરી છે કે આપણાં આયુષ સ્ટાર્ટ-અપ્સમાંથી યુનિકોર્ન ખૂબ જ જલદી બહાર આવશે”, એવી તેમણે આશા વ્યક્ત કરી.
ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવિકા અને તેમાં રોજગાર સર્જનનો વ્યાપ વધારવાનું સારું માધ્યમ બની શકે છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ સાથે ઔષધીય વનસ્પતિઓનાં ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો માટે બજાર સાથે સરળતાથી જોડાવા માટેની સુવિધાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને વિસ્તરણ પર પણ કામ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. “ભારત હર્બલ છોડનો ખજાનો છે, તે એક રીતે આપણું ‘ગ્રીન ગોલ્ડ’ છે”, એમ વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું.