નવી દિલ્હીઃ ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તાજેતરમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અર્શ ડલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ ભારત સરકારે આતંકવાદી અર્શ ડલ્લાને લઈને કેટલાક મહત્વના પુરાવા કેનેડાની સરકારને સોંપ્યાં હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ અર્શ દલ્લાની ધરપકડ કરવામાં આવી છે. અર્શ દલ્લાને ભારતમાં 50 થી વધુ હત્યાઓ, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ટેરર ફાઇનાન્સિંગનો પણ સમાવેશ થાય છે. મે 2022માં તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. 2023 માં, ભારત સરકારે તેને વ્યક્તિગત આતંકવાદી જાહેર કર્યો હતો. જુલાઈ 2023 માં, ભારતે કેનેડાની સરકારને તેની અસ્થાયી ધરપકડ માટે વિનંતી કરી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી. આ બાબતે વધારાની માહિતી પણ આપવામાં આવી હતી.
ભારત સરકારે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ અર્શ ડલ્લાના સંભવિત રહેઠાણનું સરનામું, ભારતમાં નાણાકીય વ્યવહારો, જંગમ અને સ્થાવર મિલકતો, મોબાઇલ નંબર વગેરે વિશેની માહિતી કેનેડાને મોકલી હતી, જે જાન્યુઆરી 2023 માં કેનેડિયન સત્તાવાળાઓને સોંપવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં, કેનેડિયન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે આ કેસમાં વધારાની માહિતીની વિનંતી કરી, જેનો જવાબ માર્ચ 2024માં આપવામાં આવ્યો હતો. તાજેતરની ધરપકડ બાદ, ભારતીય એજન્સીઓ આ કેસમાં પ્રત્યાર્પણની વિનંતી કરી રહી છે.