ભારત ડિજીટલ ઈનોવેશનમાં જગતમાં ગ્લોબલ લીડર તરીકે ઉભર્યું છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ
અમદાવાદઃ ભારતની G-20 પ્રેસિડેન્સી હેઠળ જૂલાઈ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત ખાતે CII ગુજરાત કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ‘B20 સુરત મિટ’ પાર્લે પોઈન્ટની હોટેલ મેરિયોટ ખાતે યોજાઈ હતી, જેમાં ટેક્સટાઈલ, ફાઈનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના આશરે 200 પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. પ્રતિનિધિઓએ દેશમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ પોલિસી, રોકાણ અને વ્યાવસાયિક ભાવિ તકો જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો પર વિચારો અને અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ G20 દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે અને સભ્ય દેશોના સહયોગથી ભારત ગ્લોબલ પ્રોબ્લેમ્સના વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારતને G20 બેઠકોની અધ્યક્ષતા કરવાની તક મળી તે આપણા માટે ગૌરવપૂર્ણ ઘટના છે તેનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત ડિજીટલ ઈનોવેશનમાં ગ્લોબલ લીડર તરીકે આગવી રીતે ઉભર્યું છે. વડાપ્રધાનશ્રી ‘યુથ લેડ ડેવલપમેન્ટ’ના દ્રઢ આગ્રહી છે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગમાં નવા આયામો સર કરવામાં ભારત સરકારની હકારાત્મક નીતિઓ કારણભૂત છે. B20 સુરત સમિટ દેશના વિકાસને ગતિ આપવામાં અને સકારાત્મક મનોમંથન બાદ નવા પરિમાણો અને પરિણામો પ્રાપ્ત કરવાનું એક અનેરૂ પ્લેટફોર્મ પૂરવાર થશે. ગુજરાતની ધરતી પર હવામાં પણ વેપાર છે એવી રમૂજ કરતા તેમણે ગુજરાતીઓની વ્યાપારી સાહસવૃત્તિને બિરદાવી હતી, દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં ગુજરાત અને ગુજરાતીઓની મહેનત કાબિલેદાદ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતે સર કરેલા સીમાચિહ્નો, વર્તમાન વિકાસયાત્રા અને સિદ્ધિઓની વિગતો આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટી, ગ્રીન મોબિલિટી પર આધારિત ધોલેરા-એસઆઈઆર- સ્માર્ટ સિટી પ્રોજેક્ટ રાજ્યના અવિરત વિકાસનો મજબૂત પાયો બનવા તરફ આગળ વધી રહ્યા છે, જે આવનારા દિવસોમાં વાયબ્રન્ટ ફાઈનાન્શિયલ ઓપરેશન્સ, આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બિંદુ બનવાનું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માંડલ-બેચરાજી એસઆઈઆર ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. સુરતના ખજોદ સ્થિત ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સ 5500 હીરા ઉદ્યોગકારો-વ્યાપારીઓના સમૂહ દ્વારા નિર્માણ પામેલ વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ ઓફિસ બિલ્ડીંગ બનશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ઉદ્યોગકારોને સરકારે ગુજરાતમાં વ્યવસાય અને રોકાણની પ્રોત્સાહક તકો પૂરી પાડવામાં કોઈ કસર છોડી નથી, જેના પરિણામે ગુજરાત રોકાણકારો માટે વર્ષોથી પસંદગીનું આગવું સ્થળ- ‘બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ’ તરીકે ઉભર્યું છે. રાજ્યમાં બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી ડ્રિવન એપ્રોચ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અભિગમ અને રોકાણકારો માટેની પ્રોત્સાહક નીતિ, સિંગલ વિન્ડો સિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારો માટે સ્વર્ગ સમાન બન્યું છે. તાજેતરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોના કારણે અમેરિકન સેમિ કન્ડકટર જાયન્ટ કંપની માઈક્રોન દ્વારા સાણંદ ખાતે સેમી કન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકાર વર્ષ 1990થી સેમિ કન્ડકટર પ્લાન્ટ સ્થાપવા માટે પ્રયાસો કરી રહી હતી, જે પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ પણ દેશને 2 થી 3 વર્ષ લાગે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળી માત્ર પાંચ મહિનામાં જ જમીન ફાળવણી સહિત તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્લાન્ટ સ્થાપવા માટે માઈક્રોન સાથેના એમ.ઓ. યુ.ના કારણે ગુજરાત સેમી કન્ડકટર બનાવતુ દેશનું પ્રથમ રાજ્ય બનશે, જેના કારણે હજારો યુવાઓ માટે નોકરીઓનું સર્જન થશે એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
રાજયમાં તેજ ગતિએ થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિગતો આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગ્રીનફીલ્ડ એરપોર્ટ, રિન્યુએબલ એનર્જી, એરપોર્ટ કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં ઝડપી માળખાકીય નિર્માણ કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કરી રહી છે. લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં રહેલી ઉજળી અને વિશાળ તકો વિશે તેમણે જણાવી ટેક્ષટાઈલ ક્ષેત્ર મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડતુ સેકટર બન્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં પીએમ મિત્રા પાર્ક સાકારિત થવાથી હજારો યુવાનો માટે રોજગારીનુ સર્જન થશે એમ ઉમેર્યું હતું. B20 બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓએ વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો દ્રષ્ટિકોણ અને નીતિગત સૂચનો, મુદ્દાઓ રજૂ કર્યા હતા, જે વૈશ્વિક આર્થિક એજન્ડા અને વ્યવસાય નીતિઓને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુરતમાં B20 બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ મહેમાનો-ડેલિગેટ્સનું એરપોર્ટ અને હોટલ પર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું હોવાથી સત્ર દરમિયાન વિદેશથી આવેલા તમામ મહાનુભાવોને આપવામાં આવનારા લંચમાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મિલેટસ, કઠોળ પણ પીરસવામાં આવ્યું હતું.