નવી દિલ્હી: તાજેતરના દિવસોમાં સમુદ્રી લૂંટારાઓની હરકતોને જોતા ભારતના સમુદ્રમાં ચોકસાઈ વધારી દેવામાં આવી છે. ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રથી લઈને એડનની ખાડી સુધી ભારતીય નૌસેનાએ સમુદ્રી નિરીક્ષણ અને પોતાની ઉપસ્થિતિને વધારતા કમાન્ડો સહીતના 10થી વધુ યુદ્ધજહાજોની તહેનાતી કરી છે. એડનની ખાડી એ ક્ષેત્ર છે, જ્યાં એક તરફ યમન તો બીજી તરફ સોમાલિયા છે. ભારતીય યુદ્ધજહાજો એડનની ખાડી સુધી નિરીક્ષણ કરશે.
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ અભૂતપૂર્વ ઉન્નત સમુદ્રી સુરક્ષા અભિયાન ભારત દ્વારા સ્વતંત્ર રીતે સંચાલિત કરાય રહ્યા છે. ભારતે યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા નાગરિક અને સૈન્ય જહાજો પર હુમલાઓ બાદ ડિસેમ્બરમાં લાલસાગરમાં શરૂ કરવામાં આવેલા અમેરિકાના નેતૃત્વવાળા બહુરાષ્ટ્રીય ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્જિયનમાં સામેલ થવાથી અંતર રાખ્યું છે.
થોડા દિવસો પહેલા આ વિસ્તારોમાં સમુદ્રી લૂંટારાઓ (ચાંચિયાઓ)એ બે મોટા વાણિજ્યિક જહાજોને હાઈજેક કરવાની કોશિશ કરી હતી. હવે ભારતના જંગી યુદ્ધજહાજો આ વિસ્તારોમાં ડ્રોનથી મોનિટરિંગ કરશે અને જરૂર પડયે અવાંછિત હરકતોને આકરો જવાબ પણ આપશે.
વરિષ્ઠ અધિકારીઓ પ્રમાણે, વાણિજ્યિક જહાજો પર વધતી સમુદ્રી લૂંટ અને ડ્રોન હુમલાથી આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગને ખતરો પેદા થઈ ગયો હતો. આ કારણે પહેલા જ માલના લાવવા લઈ જવાની કિંમતોમાં મોટો ઉછાળો આવી ચુક્યો છે. માટે ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં સતત ઉપસ્થિતિ જાળવી રાખવા અને પહેલાની અપેક્ષાએ વધારે કડક મોનિટરિંગનો નિર્ણય કર્યો છે.
રિપોર્ટમાં અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચાંચિયા અને ડ્રોન હુમલાના બેવડા ખતરાની વિરુદ્ધ મોનિટરિંગ અને તેને અટકાવવા મટે ભારતીય યુદ્ઘજહાજોની આખા ક્ષેત્રમાં તહેનાતી કરવામાં આવી છે. તેનો ઉદેશ્ય અરબી સમુદ્રમાં સ્થિતિને સ્થિર કરવા અને સમુદ્રી સુરક્ષાને વધારવામાં મદદ કરવાનો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં નિયમિત આઈએસઆર (ઈન્ટેલિજન્સ, સિક્યુરિટી અને ટોહી) મિશન પણ પી-8આઈના લાંબા અંતરના સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અને નિશસ્ત્ર એમક્યૂ-9બી-સી ગાર્જિયન ડ્રોન દ્વારા ઉડાડાય રહ્યા છે. આ બંને પશ્ચિમી તટથી પોતાના ઈલેક્ટ્રો-ઓપ્ટિક અને અન્ય ઉન્નત સેન્સરની સાથે ઉચ્ચ- રિઝોલ્યૂશન ઈમેઝરીની લાઈવ ફીડ પ્રદાન કરવામાં સક્ષમ છે.
રિપોર્ટ મુજબ,અરબી સમુદ્રમાં તહેનાત કરવામાં આવેલા યુદ્ધજહાજોમાં આઈએનએસ કોલકત્તા, આઈએનએસ કોચ્ચિ, આઈએનએસ ચેન્નઈ અને આઈએનએસ મોર્મુગાઓ જેવા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સની સાથે આઈએનએસ તલવાર અને આઈએનએસ તરકશ જેવા મલ્ટીરોલ વોરશિપ્સ તહેનાત છે. નૌસેના અને કોસ્ટગાર્ડ પણ દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વધતા મોનિટરિંગનું સારા પ્રકારનું સમન્વય કરી રહ્યા છે.