ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારોઃ 1000 પુરુષોની સામે 1020 મહિલાઓ
દિલ્હીઃ દેશની વસ્તીમાં પ્રથમવાર પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો જોવા મળી રહી છે. ક્યારેક મિસિંગ વુમનનો સામનો કરતા દેશમાં આ મોટી ખુશીની વાત છે. એટલું જ નહીં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે અનુસાર દેશમાં અત્યારે 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 1020 થઈ ગઈ છે.
નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ વર્ષ 1990માં એક લેખમાં ભારતની મહિલાઓની ઓછી સંખ્યાને લઈને મિસિંગ વુમન શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ધીમે-ધીમે ભારતમાં દરેક વસ્તુઓ બદલાઈ રહી છે. હવે દેશમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખાણીએ વધારે છે. 1990 દરમિયાન ભારતમાં પ્રતિ એક હજાર પુરુષની સરખામણીએ 927 મહિલાઓ હતી.
વર્ષ 2005-06માં આ આંકડો 1000-1000 સુધી ગયો હતો. પરંતુ 2015-16માં આ આંકડો ફરી ઘટીને 1000 પુરુષોની સરખામણીએ 991 મહિલા હોવાનું સામે આવ્યું હતું. જો કે, હવે આ આંકડો વધીને હવે 1020 સુધી પહોંચ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારએ દીકરીઓના અભ્યાસ સહિત વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેમજ હાલ બેટી બચાવો બેટી પઢાવો સહિતની વિવિધ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે.
સર્વેમાં કહ્યું છે કે, બાળકોના જન્મમાં લિંગ અનુપાત અત્યારે પણ 929 છે. એટલે કે હજુ પણ દીકરાની ચાહત વધારે જોવા મળે છે. પ્રતિ હજાર નવજાતોના જન્મમાં દીકરીઓની સંખ્યા 929 જ છે. જો કે, સરકારના આકરા કાયદાને કારણે ગર્ભમાં રહેલા બાળકના લિંગની તપાસ કરવાની ઘટનાઓ ઘટી છે. એટલું જ નહીં ભ્રૂણ હત્યાના બનાવોમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ મહિલાઓ પુરુષોની સરખામણીએ વધારે જીવન જીવે છે.