ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ
નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે.
કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ વિશ્વ સમુદાયના નેતાઓની સામૂહિક જવાબદારી અંગેની પ્રતિબધ્ધતાની પ્રશંસા કરી હતી.
શૌકરીએ સંમેલનના આગામી બે સપ્તાહ દરમિયાન આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા અંગેની સમજૂતીના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા યોજાનારી ચર્ચા દરમિયાન બહુસ્તરીય વ્યવસ્થા અંગે વિશ્વાસ અને પ્રતિબધ્ધતા જાળવી રાખવાનો અનુરોધ કર્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ , વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઇજીપ્તના શર્મ-અલ શેખ શહેર ખાતે યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનના 27મા અધિવેશનમાં ભારતીય મંડપનું ઉદ્દઘાટન કર્યું હતું.
જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં મળેલું વિવિધ દેશોનું આ સંમેલન 7 થી 18 નવેમ્બર સુધી ચાલશે. ભારતીય મંડપમાં તમામ દેશોના પ્રતિનિધીઓને આવકારતાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારતે જળાવયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે, કારણ કે ભારત સમસ્યા નહીં પણ સમાધાનનો ભાગ છે.