ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો તેની અસર LOC અને બોર્ડર પર પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે. અગાઉ, આપણા દેશમાં આતંકવાદને આપણા પાડોશીની વિચિત્રતા તરીકે જોવામાં આવતો હતો. હવે અમે આતંકવાદનો સામનો કરવા માટે આ જ રીતે પોતાને તૈયાર કર્યા છે. 2014માં ભારતે સ્પષ્ટપણે નિર્ણય લીધો હતો કે અમે સીમા પારના આતંકવાદને સહન નહીં કરીએ.
ઉરી અને બાલાકોટની ઘટનાઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, તેણે તેના પરિણામો જોયા છે. જો આપણો પાડોશી આવાં કામો કરવાનું બંધ કરશે તો આપણે પણ સામાન્ય પાડોશી જેવું વર્તન કરીશું. હવે બોલ તેમના કોર્ટમાં છે. જો તેઓ તેમના આતંકનો ધંધો બંધ કરી દે જે તેમણે ઘણા દાયકાઓથી ઉભો કર્યો છે, તો તેમની સાથે સામાન્ય પાડોશીની જેમ વ્યવહાર કરશે.
ચીન મુદ્દે જયશંકરે જણાવ્યું હતું કે, ચીન સાથેના સંબંધોની જટિલતાના ત્રણ પાસાં છે. એક મૂળભૂત પાસું એ છે કે સરહદી વિસ્તારમાં શાંતિ ડહોળાઈ છે. જો કોઈ દેશ લેખિત સમજૂતીમાંથી પાછો ખસી ગયો છે અને ભારતની સરહદો પર કંઈક કરી રહ્યો છે, તો અમે એમ કહી શકીએ નહીં કે વેપાર સામાન્ય રીતે ચાલુ રહેશે અને અન્ય વસ્તુઓ થશે નહીં.
બીજા મુદ્દા પર પ્રકાશ ફેંકતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથેના સંબંધો પણ વેપાર અસંતુલનનો મુદ્દો છે. તેમણે કહ્યું કે ભારતીય વ્યાપારી સમુદાય સાથે અમારી પાસે કેટલાક પડકારો છે. અહીં વેપારીઓ હજુ પણ કિંમતોના આધારે વિકલ્પો પસંદ કરી રહ્યા છે. હું વ્યવસાયની મજબૂરીને સમજું છું પરંતુ લાંબા ગાળે આપણે વ્યવસાયોને વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકીએ તે જોવાનું છે. આ માટે આપણે વધુ સ્થાનિક ઉત્પાદન વધારવું પડશે. ત્રીજો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા ફિલ્ટરનો છે. વ્યાપારી દરખાસ્તમાં આપણે ત્યાં હોઈ શકે તેવી રાષ્ટ્રીય સુરક્ષા સંવેદનશીલતાનું મૂલ્યાંકન કરવું પડશે.