Site icon Revoi.in

ભારતઃ ગલવાનની ઘટના બાદ ચીન દ્વારા સાયબર હુમલામાં વધારો, 40,300 હુમલા કરાયા

Social Share

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ ઉપર ગલવાનમાં ભારતીય જવાનો ઉપર ચીન સેનાએ કરેલા હુમલા બાદ દેશમાં સાયબર હુમલામાં વધારો થયો હોવાનો ખુલાસો ઈન્ડિયા ફ્યુચર ફાઉન્ડેશનના રિપોર્ટમાં થયો છે. આ સંસ્થા ભારતમાં સાયબર હુમલાના બનાવો ઉપર નજર રાખે છે. ગલવાનમાં ભારતીય જવાનો ઉપર થયેલા હુમલા બાદ ભારતીય સાયબર સ્પેસ પર 40300 વખત હુમલો કરવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિયા ફ્યુચર ફાઉન્ડેશનના રિપોર્ટ પ્રમાણે, ગલવાન હિંસાના માત્ર 1 મહિનામાં ચીન તરફથી સાયબર હુમલાઓમાં 200 ટકાનો વધારો થયો હતો અને આ સાયબર હુમલાઓનો હેતુ સંવેદનશીલ માહિતીની ચોરી કરવાનો હતો. દેશમાં નોટબંધી પછી, 80,000 સાયબર હુમલાઓ નોંધાયા હતા. રિપોર્ટસ અનુસાર લદ્દાખમાં એક મહત્વપૂર્ણ ભારતીય પાવર ગ્રીડ પર તાજેતરમાં સાયબર એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો દાવો ચીની હેક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલાઓ પહેલા, બે બંદરો – મુંબઈ પોર્ટ અને તુતીકોરીન પોર્ટ – અને દિલ્હી, કર્ણાટક અને તેલંગાણામાં પ્રાદેશિક લોડ ડિસ્પૈચ કેન્દ્રો પર આવા હુમલા કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે.

અવાર-નવાર સરકાર અને સુરક્ષા એજન્સીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબસાઈટ હેકની ઘટનાઓ સામે આવે છે. સાઈબર હેકરના આતંકને નાથવા માટે કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે.

(Photo-File)