ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020: પ્રથમ ક્રમે કર્ણાટક, ગુજરાત આઠમાં ક્રમે
દિલ્હીઃ નીતિ આયોગ દ્વારા ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમાંક કર્ણાટક રાજ્યએ હાંસલ કર્યો છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુનો સમાવેશ થાય છે. આ ઈન્ડેક્સમાં ગુજરાત આઠમાં ક્રમે છે. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાત 9માં ક્રમે હતું. જેમાં સુધારો થયો છે. દેશના જે તે રાજ્યોમાં કરવામાં આવતા ઈનોવેશનના આધારે તેમને રેન્ક આપવામાં આવે છે. આ ઇન્ડેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઇનોવેશનના સેક્ટરમાં રાજ્યોની ક્ષમતાઓ અને નબળાઈઓને પારખવી અને તેમને તે દિશામાં મજબૂત અને સશક્ત બનાવા માટે પ્રેરિત કરવાનો છે.
ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની પ્રથમ યાદી ઓક્ટોબર 2019માં જાહેર કરવામાં આવી હતી. જ્યારે હવે બીજા યાદી જાહેર કરવામાં આવી છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુવાર અને સીઇઓ અમિતાભ કાંત દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર સૌથી નીચલા સ્તરે ટોપ-3માં ઝારખંડ અને છત્તીસગઢ અને બિહાર છે. આ યાદીમાં પ્રથમ સ્થાન ઉપર કર્ણાટક રાજ્ય છે. ચોથા અને પાંચમાં ક્રમે અનુક્રમે તેલંગાણા અને કેરળનો નંબર આવે છે. આ ઇનોવેશન ઇન્ડેક્સ-2020ની યાદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરખામણીની રીતે 17 મુખ્ય રાજ્યો, 10 પૂર્વોત્તર અને પહાડી રાજ્યો તથા નવ શહેરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં જારી કરેલ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-1.0ની યાદીમાં ટોપ-3માં અનુક્રમે કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર હતા.