દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશનને પગલે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. દરમિયાન એક નવા અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ઉપયોગ કરવાના મામલામાં ભારતીયો ત્રીજા નંબરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજના ડિજીટલ જમાનામાં મોબાઈલ ફોન મારફતે મોબાઇલ રિચાર્જ, પૈસા ટ્રાન્સફર, ટિકિટ બુક તથા ગેસ સિલિન્ડરનું બૂકિંગ સહિતની સુવિધાઓ ઓનલાઈન થઈ ગઈ છે. દરમિયાન એક અગ્રણી ઇન્ટરનેટ રિસર્ચ સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વમાં મોબાઇલનો સૌથી વધારે ઉપયોગ કરવામાં બ્રાઝિલના લોકો પ્રથમ ક્રમે છે. બ્રાઝિલના લોકો પ્રતિ દિન પાંચ કલાક અને ચાર મિનિટ મોબાઇલનો ઉપયોગ કરે છે.
બીજા નંબરે ઇન્ડોનેશિયાના લોકો છે. ઇન્ડોનેશિયાની પ્રજા દરરોજે પાંચ કલાક અને ચાર મિનિટ મોબાઇલ પર વીતાવે છે. સરવેની આ યાદીમાં ભારત ત્રીજા નંબરે છે. ભારતીયો દરરોજ ચાર કલાક અને નવ મિનિટ મોબાઇલ પર વીતાવે છે. આ એજન્સીના રિપોર્ટમાં સમગ્ર વિશ્વના દસ દેશોને સમાવવામાં આવ્યા છે.
ચોથા ક્રમે સાઉથ કોરિયા આવે છે. અહીં લોકો ચાર કલાક અને આઠ મિનિટ મોબાઇલનો ઉપયોગ કરે છે. પાંચમાં નંબરે મેક્સિકોના લોકો છે. તેઓ દરરોજે ચાર કલાક અને સાત મિનિટ મોબાઇલ પર વીતાવે છે. છઠ્ઠા ક્રમે તુર્કીના લોકો છે. તુર્કીના લોકો દરરોજે ચાર કલાક અને પાંચ મિનિટ મોબાઇલનો ઉપયોગ કરે છે. જ્યારે ચાર કલાક અને ચાર મિનિટ સાથે જાપાન સાતમાં, ચાર કલાક અને એક મિનિટ સાથે કેનેડા આઠમાં, ત્રણ કલાક અને નવ મિનિટ સાથે અમેરિકા ૯માં, ત્રણ કલાક અને આઠ મિનિટ સાથે બ્રિટન દસમાં ક્રમે આવે છે.