સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત
નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર છે. શુભ કાર્યો કરવા માટે શક્તિ જોઇએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધી રહી છે. કોરોનાકાળમાં ભારતે અનેક દેશોની મદદ કરી છે. સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. માતૃશક્તિને સમાન દરજ્જો આપી સમાજમાં સક્રિય કરવાની જરુરિયાત પર તેમણે ભાર આપ્યો હતો.
દેશભરમાં આજે વિજયાદશમીના પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વ બુરાઇ પર અચ્છાઇ, અન્યાય પર ન્યાય અને અધર્મ પર ધર્મની જીતનો ઉત્સવ છે. બીજી બાજુ આપણી ઐતિહાસીક પરંપરા ના નિર્વહનનો તહેવાર છે. આજના દિવસે લોકો શસ્ત્ર પુજન કરે છે. જીવનમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેનો ઉપયોગ થાય છે. આપણા આચાર વિચાર શાસ્ત્ર સંબંધીત હોય તો સમાજમાં સન્માન મળે છે.
જ્યારે શસ્ત્ર વિપરીત સ્થિતિમાં પોતાના અને બીજાના જીવન મુલ્યોની રક્ષા કરે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિેએ દશેરાની પૂર્વ સંધ્યાએ લોકોને શુભકામના પાઠવી હતી. તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહે પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના પાઠવી છે.