ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું છે. બીજી તરફ આતંકવાદને સમર્થન આપનારુ પાકિસ્તાન આજે નરકના ખાડામાં ગરકાવ થઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર લખનૌમાં સોશિયલ મીડિયા ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને યુપી કેબિનેટના કેટલાક મંત્રીઓ પણ હાજર હતા. આ અવસર પર યોગી આદિત્યનાથે જે કહ્યું તે પાકિસ્તાનના ટેન્શનમાં વધારો થશે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે હવે ત્યાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે અમને ભારતની અંદર પાછા લાવવા માટે કામ કરવામાં આવે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે જેણે દુનિયાને આતંકવાદની ભઠ્ઠીમાં ધકેલી દીધો તે આજે દરેક રોટલી માટે તરસી રહ્યો છે. પાંચ કિલો લોટના પેકેટ માટે ધક્કામુક્કી થાય છે.
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, ભારતની સૌથી ફળદ્રુપ જમીન પાકિસ્તાનના હિસ્સામાં ગઈ, પરંતુ પાડોશી દેશ ભારત સાથે દુશ્મનાવટમાં એટલો આંધળો થઈ ગયો કે તે કંઈ સંભાળી શક્યો નહીં. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે જ્યારે પાકિસ્તાન ગરીબીની નવી સીડીઓ ચઢી રહ્યું છે. ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડી રહ્યું છે.