દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી
નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે ભારત-જાપાન સંબંધને લઈને ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે પીએમ કુભિયો કિશિદા નેતૃત્વમાં ભારત-જાપાન સંબંધો ગાઢ બનશે અને નવી ઉંચાઈઓને સ્પર્શ કરશે અને આપણે દુનિયાની સમસ્યાઓને નિવારવામાં એક યોગ્ય ભૂમિકા નિભાવી શકશું. વડાપ્રધાન મોદીએ જાપાનના પુર્વ વડાપ્રધાન શિંજો આબેને પણ યાદ કરી જણાવ્યું હતું કે દુ:ખની આ ઘડીમાં આજે આપણે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જયારે આવ્યો હતો ત્યારે શિંજો આંબે સાથે લાંબી વાત થઈ હતી. ભારત શિંજો આબેને યાદ કરે છે.
નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ ભૂતપૂર્વ પીએમ શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમમે ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારનું ફળદાયી આદાન પ્રદાન કર્યું હતું. તેઓએ સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પ્રદેશમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય જૂથો અને સંસ્થાઓમાં સાથે મળીને કામ કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં આબેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આજે રાજકીય સન્માન સાથે આબેના અંતિમ સંસ્કાર થશે.