વૈશ્વિક પડકારો સામે મળીને લડશે ભારત-જાપાન-જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી
દિલ્હી:જાપાનના વિદેશમંત્રી યોશિમાસા હયાશીએ શુક્રવારે કહ્યું હતું કે,યુક્રેનમાં રશિયાની આક્રમકતા ઊર્જા અને ખાદ્ય સુરક્ષા સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊંડી અસર કરે છે અને તમામ પડકારોનો સામનો કરવા માટે જાપાન ભારત સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવા તૈયાર છે. G-7 અધ્યક્ષ તરીકે, જાપાન G-20 અધ્યક્ષ ભારત સાથે ગાઢ સંકલન ઈચ્છે છે.
હયાશીએ જણાવ્યું હતું કે પૂર્વ અને દક્ષિણમાં બળનો ઉપયોગ કરીને યથાસ્થિતિને બદલવા અને તાઇવાનની આસપાસ લશ્કરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ચીનના “એકપક્ષીય પ્રયાસો” પડકારજનક અને ચિંતાજનક છે.તેમણે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે એક મુક્ત અને ખુલ્લી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી છે, જે સમાવિષ્ટ અને કાયદાના શાસન પર આધારિત હોય.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની હાજરી વધી રહી છે.
જાપાનના મંત્રીએ કહ્યું કે ‘ક્વાડ’ કોઈનો સામનો કરવા અથવા લશ્કરી સહયોગ માટે શરૂ કરવામાં આવી નથી. આ સંદર્ભમાં, તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ટિપ્પણી ‘સારા માટે બળ’નો ઉલ્લેખ કર્યો. ‘ક્વાડ’માં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા સહિત ભારતના ઉત્કૃષ્ટ નેતૃત્વને જોતાં નવી દિલ્હી સાથે સંકલન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.