રાજકોટઃ શહેરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને પરાજય આપ્યો હતો. ત્રણ મેચની સિરીઝ ભારતે 2-1થી કબજે કરી છે. હવે આ બંને ટીમ વિશ્વકપમાં 8 ઓક્ટોબરે આમને-સામને ટકરાશે. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 352 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 286 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને પરાજ્યનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં ટીમને 66 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે ભારતે શ્રેણી 2-1થી જીતી હતી.
રાજકોટમાં બુધવારે ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યા હતા. આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને વોશિંગટન સુંદરે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. સુંદર 18 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ 57 બોલમાં 5 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી 81 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 61 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સ સાથે 56 રનનું યોગદાન આપ્યું હતું.
શ્રેયસ અય્યરે 43 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 48 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલ 26 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવે 2 અને જસપ્રીત બુમરાહે 5 રનનું યોગદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ 35 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ 1 રન બનાવી આઉટ થયો હતો.
રાજકોટની સપાટ પિચ પર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શાનદાર બોલિંગ કરી હતી. મેક્સવેલે રોહિત શર્મા, વિરાટ કોહલી, વોશિંગટન સુંદર અને શ્રેયસ અય્યરને આઉટ કર્યા હતા. મેક્સવેલે 10 ઓવરમાં 40 રન આપી 4 સફળતા મેળવી હતી. જોશ હેઝલવુડને બે સફળતા મળી હતી. આ સિવાય સ્ટાર્ક, ગ્રીન, તનવીર સંઘા અને કમિન્સને એક-એક વિકેટ મળી હતી. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ 7મી ઓવરના અંતે કોઈ પણ નુકશાન વિના સ્કોર 65 રન સુધી પહોંચાડ્યો હતો. કાંગારુ ટીમને પહેલો ઝટકો નવમી ઓવરના પહેલા બોલ પર વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નરે પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર પાછળની તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતાં તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલને આપ્યો. વોર્નર 34 બોલમાં 56 રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 1 વિકેટના નુકસાને 90 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.