નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં બર્મિંઘમના એજબેસ્ટોન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો છે. ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં 378 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી હતી. આમ પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરોબરી મેળવી લીધી છે. ભારતીય ટીમ એજબેસ્ટોનમાં પહોંચેલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું 15 વર્ષ બાદ ચકનાચૂર થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવીને ભારતની જીતની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.
ટેસ્ટ મેચની ચોથી ઈનિંગ્સમાં 378 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટ અને જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી અને ટીમ ઇન્ડિયાએ છેલ્લા દિવસે જીતવા માટે જરૂરી 7 વિકેટમાં એક પણ સફળતા થવા દીધી ન હતી. જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવ્યા હતા. આ બંનેની ધમાકેદાર ઈનિંગના આધારે ઈંગ્લેન્ડે 378 રનનો ટાર્ગેટ માત્ર 77 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો, આ દરમિયાન ઈંગ્લેન્ડનો રનરેટ લગભગ પાંચ હતો. ભારતે પ્રથમ વખત વિરોધી ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપ્યો છે અને તે પછી પણ મેચ હારી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતની હાર થતા ભારતીય ક્રિકેય પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. વર્ષ 2021માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાઈ હતી. જો કે, કોરોના મહામારીને પગલે પાંચની ટેસ્ટ મોકુફ રાખવામાં આવી હતી. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. જ્યારે ઈન્ડિયાની ટીમ આયરલેન્ડ સામે ટી-20 રમવા ગઈ હતી. આયરલેન્ડ સામેની સીરીઝમાં ભારતનો વિજય થયો હતો.