અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 લશ્કરી વિમાનોના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન હશે. આ પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતને પાવરહાઉસ બનાવવા પર છે અને ભારતીય કંપનીઓ ઝડપથી વિકાસ કરી રહી છે. સાંચેઝે કહ્યું કે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે. આ ફેક્ટરીમાં બનેલા પ્લેન અન્ય દેશોમાં મોકલવામાં આવશે અને C-295 ફેક્ટરી નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અમે નક્કર પગલાં વિના આ બિંદુ સુધી પહોંચી શક્યા ન હોત. તેમણે કહ્યું કે અમારો ભાર કૌશલ્ય અને રોજગાર નિર્માણ પર છે. પીએમ મોદીએ કહ્યું કે એરક્રાફ્ટ ફેક્ટરી નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓએ એરપોર્ટથી ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધી રોડ શો કર્યો હતો. બંને નેતાઓના સ્વાગત માટે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બંને દેશોના પ્રધાનમંત્રીઓને આવકારવા માટે રસ્તામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં C-295 મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન બાદ નેતાઓ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરવાના છે. ટાટા, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીએ વડોદરા ખાતે પહોંચ્યા. બન્ને દેશોના રાષ્ટ્રાઅધ્યક્ષનો રોડ શો કર્યો હતો. રોડ શો કર્યા બાદ બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (28 ઓક્ટોબરે) વડોદરામાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યુ છે .C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.