ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની
(સ્પર્શ હાર્દિક)
બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત ક્રાંતિ પણ સફળ રહી. હવે ભારતને એકવીસમી સદીની લૅન્ડમાર્ક સાબિત થાય એવી સેમિકન્ડક્ટર ક્રાંતિની જરૂર છે.
મૂળ તો સેમિકન્ડક્ટર ભૌતિકવિજ્ઞાનની પરિભાષા છે, પરંતુ થોડા વર્ષોથી જીઑપૉલિટિક્સની ચર્ચામાં આ શબ્દ અવારનવાર ઝબકતો રહ્યો છે. સેમિકન્ડક્ટર એટલે મુખ્યત્વે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ. વિશ્વની ઘણી ટેક-જાયન્ટ કંપનીઓનું હબ એવી સિલિકોન વેલી અમેરિકામાં છે. ભારતની સિલિકોન વેલી એટલે બેંગાલુરુ. અહીં જે સિલિકોનની વાત થાય છે એ એક સેમિકન્ડક્ટર પદાર્થ છે અને આજના મોડર્ન હ્યુમનનું જીવન આવા સેમિકન્ડક્ટર વગર લગભગ થંભી જ જાય. આપણા સામાન્ય જીવનના રોજિંદા કાર્યોથી લઈને જટિલ કાર્યોમાં વણાઈ ગયેલા તમામ ડિજિટલ ઉપકરણોમાં ચીપ યાને કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઇત્યાદિ ઉપકરણોનું જાણે માઇન્ડ અને હાર્ટ છે. અને એ બધામાં મુખ્ય ઘટક તત્ત્વ હોય છે સેમિકન્ડક્ટર.
સેમિકન્ડક્ટરની ભયંકર અછત સર્જાય તો આજની માનવજાતિ કઈ હદે પાંગળી થઈ જાય એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હમણાં જ કોરોના મહામારી દરમિયાન જગતને એની ઝાંખી મળી ચૂકી છે. વિશ્વની મહત્તમ સેમિકન્ડક્ટર ચીપ જ્યાં બને છે એમાં તાઇવાન, ચીન, સાઉથ કોરિયા, જાપાન જેવા દેશો સામેલ છે. આમાં બે મોટા ઉત્પાદકો સાઉથ કોરિયા અને તાઇવાનમાં લૉકડાઉન લાગી જતા મહિનાઓ સુધી સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ન થઈ શકેલું. તાઇવાનમાં પાછું દુકાળ જેવી સ્થિતિ સર્જાતા, ખૂબ પાણી માંગી લેતું ચીપનું પ્રૉડક્શન ખોરંભાયેલું. વધારામાં વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ દુનિયાભરમાં વધ્યું એટલે લેપટોપ, કોમ્પ્યૂટર, સ્માર્ટફોન, વેબકૅમ, માઇક સહિત જાતભાતના ડિજિટલ ઉપકરણોની ડિમાન્ડ વધી ચૂકી હતી. પરંતુ સામે ચીપનો સપ્લાય ક્યાં પૂરતો હતો! પરિણામે ૨૦૨૦ પછી ગ્લોબલ ચીપ શૉર્ટેજ સર્જાઈ હતી.
સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને જાતભાતની ચીપ્સ પર મોડર્ન દુનિયા કેટલી નભેલી છે એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એના પ્રૉડક્શન તથા સપ્લાય પર જગતના તાકતવર દેશો હવે કન્ટ્રોલ ઇચ્છે છે. આ જ કન્ટ્રોલ માટેની લડાઈએ તાજેતરની સેમિકન્ડક્ટર વૉરના બીજ વાવી દીધા છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની યાદીમાં સૌથી મોખરે રહેલ તાઇવાન પર આજે ચીન પોતાનું નિયંત્રણ સ્થાપવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. તાઇવાન એક સ્વતંત્ર એકમ તરીકે ટકી રહે એમાં ચીનના વિરોધી રાષ્ટ્રોનું હિત સમાયેલું છે. સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધના બળવાન કારણોમાંનું એક કારણ આ તાઇવાન વિવાદ હોઈ શકે એવું ઘણાને લાગે છે. આવા સંજોગોમાં તાઇવાન પરથી સેમિકન્ડક્ટરના ઉત્પાદનનો ભાર ઘટે એ માટે જ્યારે અન્ય સ્થળો પર નજર દોડાવાઈ રહી છે, ત્યારે ભારત એક આશાસ્પદ વિકલ્પ તરીકે સામે આવે છે. પરંતુ, સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનમાં વપરાતી ટેક્નોલોજીમાં થયેલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઘણુંખરું અમેરિકન માઇન્ડ્સની ઉપજ છે અને એમણે મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સ કરવા માટે અત્યાર સુધી તાઇવાનને ખપમાં લીધું, પરંતુ હવે ભારત આઉટસોર્સિંગ માટે બીજો વિકલ્પ બની શકે એમ છે.
તાઇવાન અસ્થિર થઈ રહ્યું હોવાથી અગમચેતી વાપરીને ચીપ ઇન્ડસ્ટ્રીએ ભારતમાં પોતાના એકમો શરૂ કરવાની પહેલ કરી દીધી છે. એપલ, ગુગલ, શાઓમી, પ્લેસ્ટેશન જેવી ઘણી જાણીતી કંપનીઓના વિવિધ ડિવાઇઝમાં વપરાતી ચીપની ઉત્પાદક, મૂળ તાઇવાનની ફૉક્સકોન કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ ઊભો કરવાની તૈયારી દેખાડી છે. યુકે બૅઝ્ડ SRAM & MRAM ટેક્નોલોજીઝ ઍન્ડ પ્રોજેક્ટ કંપની પણ ઓડિસામાં પ્રૉડક્શન શરૂ કરશે એવા સમાચારા છે. આવા હજુ વધારે સમાચારો આવે એવી આશા છે. સેમિકન્ડક્ટર પ્રૉડક્શનનું પહેલું પગથિયું ચડવું ભારત માટે હકારાત્મક વાત જ કહેવાય. કિન્તુ લાંબા સમય સુધી કોઈનો સ્વાર્થ સંતોષી આપતું કારખાનું બની રહેવા કરતાં ભારત શક્ય એટલું જલદી આ ક્ષેત્રે રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપીને આત્મનિર્ભર થાય એ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુના બૅઝમાં રહેલી ટૅક્નોલોજી પર આપણી માલિકી નહીં આવે ત્યાં સુધી આત્મનિર્ભર થવાનું સપનું સાકાર કરવું કપરું રહેશે.
વિશ્વમાં અત્યારે છે એના કરતાં પણ સેમિકન્ડક્ટર ચીપનો વપરાશ વધવાનો જ અને ચીપની ટેક્નોલોજી પણ એ સાથે એડવાન્સ થતી જશે. જે દેશ પાસે આ ટેક્નોલોજી પર નિયંત્રણ હશે એ પોતાના પાવરથી દુશ્મન દેશો કે હામાં હા ન પુરાવતા દેશોને તંગ કરવાના જ એ દેખીતું છે. ૨૦૨૨માં અમેરિકાએ એવું જ કરેલું. ‘ચીપ ઍન્ડ સાયન્સ ઍક્ટ’ લાવીને એણે નક્કી કર્યું કે પોતાને ત્યાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધનને બુસ્ટ મળે અને અત્યાર સુધી એઁણે આઉટસોર્સ કરે રાખેલું ઉત્પાદનનું કાર્ય ફરી પોતાને ત્યાં પાછું આવે. ઉપરાંત, ચીન પોતાની ડિફેન્સ સિસ્ટમમાં અમેરિકાથી આયાત કરાયેલી એડવાન્સ ચીપ વાપરીને સ્ટ્રોંગ ન થાય એ માટે અમેરિકન કંપનીઓ અમુક હદથી એડવાન્સ ચીપનું ઉત્પાદન ચીન અને રશિયામાં ન કરી શકે કે એમને ન વેંચી શકે એ માટેનો કાયદો કડક બનાવ્યો. અમેરિકાએ એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે આ ક્ષેત્રના હોનહાર એન્જિનિયરો ચીનની કંપનીઓને પણ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો લાભ ન આપી શકે. તેણે નેધરલેન્ડ અને સાઉથ કોરિયા પણ ચીનને કોઈ રીતે મદદ ન કરે એ માટે તાકત વાપરી છે. આ રીતે, કોરોના મહામારી પછી પ્રબળ બનેલ સેમિકન્ડક્ટર વૉરનો પહેલો મોરચો અમેરિકાએ ચીન વિરુદ્ધ ખોલ્યો છે. સામે પક્ષે, હવે ચીને સેમિકન્ડક્ટર રૉ મટિરિઅલની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા છે.
અન્ય ઘણા દેશો જેમ ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિદેશી કંપનીઓ પર નિર્ભર છે એટલે જ્યાં સુધી આ નિર્ભરતા રહેશે, ત્યાં સુધી એને અમેરિકા કે ચીન જેવા દેશો ભવિષ્યમાં હથિયાર તરીકે વાપરતા જરાય ન ખચકાય. સેમિકન્ડક્ટર ચીપની આવનારા વર્ષોમાં સખત જરૂર પડશે એટલું જ નહીં, પણ એ ચીપ અત્યંત પાવરફુલ હોય એ પણ ઇચ્છનિય છે. ભવિષ્ય આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ યાને એ.આઈ.નું છે અને કોઈ પણ એ.આઈ.ની ક્ષમતા એમાં વપરાયેલી અતિશક્તિશાળી પથી જ નક્કી થાય. ઓપન એ.આઈ. કંપનીના ચેટ-જીપીટીને ચલાવવા માટે એનવીડીયા નામક કંપનીએ બનાવેલ, ત્રીસ હજાર GPU (ગ્રાફિક્સ પ્રૉસેસિંગ યુનિટ) ચીપ્સની જરૂર પડે છે. આવી એક ચીપ અંદાજે દસથી પંદર હજાર ડોલરમાં પડે, એ હિસાબે ફક્ત ચીપ પાછળનો ખર્ચો જ કરોડો ડોલરમાં પહોંચે. થોડા સમય પહેલાં ભારતની મુલાકાત લઈ ગયેલા ઓપન એ.આઈ.ના સીઈઓ સામ ઑલ્ટમેને જ્યારે એવું કહેલું કે ભારત ચેટ-જીપીટી જેવી એ.આઈ. ન બનાવી શકે ત્યારે ઘણા ભારતીયોને અપમાનજનક લાગેલું. પરંતુ એક હકીકત એવી પણ છે કે પાવરફુલ એ.આઈ.નું સર્જન કરવા માટે GPU ચીપ્સ જેવા જરૂરી સંસાધનો ભારતને ન મળે અથવા ન આપવામાં આવે તો અત્યારે ભારત એ.આઈ.ની રેસમાં દોડીને આગળ ના થઈ શકે.
અત્યારે પણ જીવનનાં જે ક્ષેત્રો ડિજિટલ લહેરથી વંચિત રહી ગયા છે, ત્યાં આવનારા વર્ષોમાં ડિજિટલાઇઝેશન થઈ જશે અને આપણા રોજિંદા કાર્યો ડિજિટલ ઉપકરણો વગર લગભગ અશક્ય બની જવાના. ડિફેન્સ જેવા અગત્યના ક્ષેત્રમાં પણ ભારતને અતિશક્તિશાળી સેમિકન્ડક્ટર ચીપની જરૂર રહેશે. આ સિવાય જેનો સૂર્ય ચડતો દેખાય છે એવી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સની દોડમાં ભાગીદાર થવા માટે પણ એક્સ્ટ્રિમલી એડવાન્સ ચીપની જરૂર પડશે. માટે સેમિકન્ડક્ટર ક્રાંતિના બીજ અત્યારથી જ વાવી દેવામાં આવે તો નજીકના કે દૂરના ભવિષ્યમાં એનું વટવૃક્ષ ભારતને આ ક્ષેત્રે ચોક્કસ આત્મનિર્ભર બનાવશે.
(hardik.sparsh@gmail.com)