ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે
વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પ્લાસ્ટિક મુકત દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટિકથી જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર થતી વિપરિત અસરો અંગે જાગૃત કરવાનો છે.
વૈશ્વિક સ્તરે જે રીતે પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે એ જોતા એવું લાગે છે કેઆપણને પ્લાસ્ટિકનું વ્યસન થઇ ગયું છે. પ્લાસ્ટિક આપણા રોજ બરોજના જીવનનું સાથી બની ગયું હોય એમ આપણે પ્રકૃતિની પરવા કર્યા વગર પ્લાસ્ટિકનો આંધળો ઉપયોગ કરી રહ્યા છીએ જેની ગંભીર અસર પર્યાવરણની સાથે જીવસૃષ્ટિ પર પણ પડી રહી છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 400 મિલિયન ટન્સ જેટલો પ્લાસ્ટિકનો કચરો આપણે ફેલાવીએ છીએ. એના મુકાબલે એનો રિ-યુઝ અને રિ-સાયકલીંગનો દર ખૂબ ઓછો હોવાને કારણે અહી તહી સર્વત્ર પ્લાસ્ટિકના ગંજ આપણે ખડકી રહ્યા છીએ. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને બજાર કરવા જતી વખતે ઘરેથી થેલી લઇને જવામાં નડતી શરમ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ એ સૌથી ખતરનાક પ્રદૂષણ છે જેની વિપરિત અસરોથી પર્યાવરણ, માનવસૃષ્ટિ, પ્રાણીસુષ્ટિ કે જલીય જીવસૃષ્ટિ પણ બાકાત નથી. પ્લાસ્ટિક એક એવી જેનો નિકાલ કરવો ખૂબ કઠીન કામ છે. જો પ્લાસ્ટિકને જમીનમાં દાટીને એનો નિકાલ કરવામાં આવે તો એ લાંબા સમય સુધી સડતું નથી માટે એને દાટીને નિકાલ કરી શકાય એમ નથી. જો સળગાવવામાં આવે તો એનાથી મોટી માત્રામાં કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન થવાને કારણે પર્યાવરણીય પ્રદૂષણનો ગંભીર મુદ્દો ઉપસ્થિત થવાથી ગ્રીન હાઉસ ગેસ ઇફેકટનો ખતરો ઉભો થાય છે.
ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે 3.4 મિલિયન ટન્સ પ્લાસ્ટિક વેસ્ટ આપણે પેદા કરીએ છીએ. 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પૈકી માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે બાકીનું પ્લાસ્ટિક કયાંક તો આમ તેમ પડયું હોય છે અથવા તો નદીઓ મારફત સમુદ્રમાં તણાઇ જાય છે જે જલીય જીવસૃષ્ટિની સામે અસ્તિત્વનો ખતરો ઉભો કરે છે. સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થતી વિપરિત અસરો અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણીય સમસ્યાઓને સમજવા તથા પ્રદૂષણથી ઉભા થયેલા ગંભીર પડકારોને પહોંચી વળવા માટે અલગ કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.