6 ઓગસ્ટ,દિલ્હી: ભારતનું તેજસ ફાઈટર જેટ અત્યારે વિશ્વના ઘણા દેશોની નજરમાં છે, ભારત દ્વારા હાલમાં જ મલેશિયાને 18 તેજસ ફાઈટરની ઓફર કરવામાં આવી છે. ભારત અત્યારે જે રીતે વિયેતનામ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, અને મલેશિયા સાથે સંબંધોને વધારે મજબૂત કરી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભવિષ્યમાં ચીનની પણ તકલીફ વધી શકે છે.
મીડિયા રિપોર્ટના કહેવા અનુસાર ભારતના સિંગલ એન્જિન વાળા ફાઈટર જેટ તેજસ પર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના, ઈજિપ્ત પણ નજર રાખીને બેઠા છે અને આ તમામ દેશો સિંગલ એન્જિન જેટ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારે 83 ફાઈટર જેટનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો છે અને તેના પર કામ 2023થી શરૂ થવાનું છે. આ કોન્ટ્રાક્ટની કિંમત 6 ટ્રિલિયન ડોલરની છે. ભારત અત્યારે પોતાના બેડામાં સામેલ રશિયન બનાવટનું પ્લેન મિગ-21નો ઉપયોગ વર્ષ 2025 સુધીમાં બંધ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે અને ભવિષ્યમાં ભારતને પ્લેન એક્સપોર્ટર તરીકે પણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેજસ વિમાનને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ ગણાતા વિમાનોમાંનું એક સૌથી ખતરનાક પ્લેન ગણવામાં આવી રહ્યું છે અને તેની પાછળનું કારણ છે તેની ઝડપ અને તેની મારક ક્ષમતા. હાલમાં ભારત રશિયન, બ્રિટિશ અને ફ્રેન્ચ બનાવટના ફાઈટર જેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે.