નવી દિલ્હીઃ રાજસ્થાનમાં આજથી ભારત ઓમાન સંયુકત સૈન્ય અભ્યાસનો મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં વિદેશી તાલીમ નોડ ખાતે પ્રારંભ થયો હતો. ઓમાનની રોયલ આર્મીની ટુકડી જેમાં સુલતાન ઓફ ઓમાન પેરાશુટ રેજીમેન્ટના 60 જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 18 મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો કરી રહ્યાં છે. આ કવાયત 13 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 દિવસની લાંબી કવાયતમાં વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયા, સંયુક્ત કમાન્ડની સ્થાપના, નિયંત્રણ માળખાં અને આતંકવાદી ખતરાઓને દૂર કરવાનો સમાવેશ થાય છે.
ભારત-ઓમાનના આ સૈન્ય અભ્યાસ દરમિયાન સંયુક્ત શારીરિક તાલીમ કાર્યક્રમ, સામરિક અભ્યાસ, ટેકનિકલ તથા પ્રક્રિયાઓના સમાયોજન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટક હેઠળ આતંકવાદનો સામનો કરનાર સૈન્ય ઓપરેશન, ક્ષેત્રીય સુરક્ષા કાર્યક્રમ અને શાંતિની રક્ષા સંચાલન એક્ટિવિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અગાઉ મસ્કટમાં 12થી 25 માર્ચ 2019 સુધી ભારત અને ઓમાન વચ્ચે સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંયુકત સૈન્ય અભ્યાસ ઉધ્યેશ ભારતીય સેના અને ઓમાનની સેના વચ્ચે સંરક્ષણ સહયોગના સ્તરને વધારવાનો છે અને બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. આ ઉપરાંત વિયેતનામ અને ભારત દ્વિપક્ષીય આર્મી કવાયત “એક્સ વીનબેક્સ 2022” ની ત્રીજી આવૃત્તિ ચંડી મંદિર ખાતે આજથી શરુ થશે. જે 20 ઓગસ્ટ સુધી ચાલશે. વીનબેક્સ કવાયતને સામાન્ય રીતે ભારત અને વિયેતનામ સૈન્યના સહયોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે ભારત-વિયેતનામ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરવામાં મદદ કરે છે અને બંને દેશોના સંબંધોને સમર્થન આપે છે. આ કવાયત ભારત અને વિયેતનામ દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.