Site icon Revoi.in

ભારતઃ શેરબજાર તરફ લોકોનો ઝુકાવ વધ્યો, ડિમેટ એકાઉન્ટનો આંકડો 10 કરોડને પાર

Social Share

નવી દિલ્‍હી : દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી શેરબજારમા રોકાણ કરવાનો લોકોનો ટ્રેન્‍ડ વધ્‍યો છે જેના કારણે દેશમાં રિટેલ ઇન્‍વેસ્‍ટરોની સંખ્‍યા સતત વધી છે. માર્ચ 2020 સુધી દેશમાં કુલ 4.09 કરોડ ડીમેટ એકાઉન્‍ટ હતા, અઢી વર્ષના સમયગાળામાં આ સંખ્યામાં લગભગ છ કરોડનો વધારો થયો છે. આમ ઓગસ્ટ 2022માં આ સંખ્યા વધીને 10 કરોડને પાર થઈ ગઈ છે. દરમિયાન ગયા મહિને નવા 22 લાખ ડીમેટ ખાતા ખુલ્‍યા હતા જે છેલ્લા 4 માસના સૌથી વધુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં ઘરે બેઠા ઓનલાઈન કમાણીનું માધ્‍ય શેરબજાર બન્યું હતું. તેમજ આઈપીઓ બજારમાં નવા રોકાણકારો સામે આવ્યાં હતા. આમ ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. આમ દેશમાં ડીમેટ ખાતાની સંખ્‍યા ઐતિહાસિક ટોચે પહોંચી છે.

કોરોના મહામારી પહેલા ભારતમાં લગભગ 4 કરોડ જેટલા ડિમેટ ખાતા હતા. અઢી વર્ષના ગાળામાં કુલ રોકાણકારોની સંખ્‍યામાં 2.5 ગણો વધારો થયો છે. એપ્રિલમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્‍યા 9.21 કરોડ હતી, જે મે મહિનામાં 9.48 કરોડ, જૂનમાં 9.65 કરોડ, જુલાઈમાં 9.83 કરોડ હતી.

ડીમેટ ખાતાઓનો આ આંકડો ઓગસ્‍ટમાં પ્રથમ વખત વધીને 10.05 કરોડ થયો છે. નેશનલ સિકયોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NDSL) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત મહિનામાં 22 લાખથી વધુ નવા એકાઉન્‍ટ ખોલવામાં આવ્‍યા છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે.