નવી દિલ્લી: છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર અટકચાળા કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા દેશની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર હવે અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે.
અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રમાં અમેરિકાની ટોચની પાંચ કંપનીઓના સીઈઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરી હતી, જેમાં ન્યૂક્લિયર અને ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની જનરલ એટોમિક્સ અને અમેરિકન ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનનો સમાવેશ થાય છે. જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલ સાથે મોદીની બેઠક 20 મિનિટ ચાલી હતી. ભારત આ કંપની પાસેથી વિશ્વના સૌથી ખતરનાક 30 પ્રીડેટર ડ્રોન ખરીદવા તૈયાર છે.
ચીન દ્વારા જે રીતે ગલવાન ઘાટીમાં ભારતની પીઠમાં ખંજર મારવામાં આવ્યું તે બાદ તો ભારત સરકાર દ્વારા હવે તમામ મોર્ચે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વિમાન, મિસાઈલ, હથિયાર, બંદૂક, બોમ્બ, ટેન્ક જે પણ જરૂરી છે તેનું ઉત્પાદન તથા ખરીદી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
ન્યૂક્લિયર અને ડિફેન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની જનરલ એટોમિક્સ ખતરનાક પ્રીડેટર ડ્રોનની ઉત્પાદક છે. કંપની અગાઉથી જ ભારતને લેટેસ્ટ ડિફેન્સ ટેક્નોલોજી સપોર્ટ પૂરો પાડવા કામ કરી રહી છે. જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલ સાથેની બેઠકને પગલે અમેરિકાના પ્રીડેટર ડ્રોન ખરીદવાની ભારતની ઈચ્છા વહેલી તકે પૂરી થઈ શકે છે. ભારત અંદાજે 22000 કરોડ રૂપિયામાં દુનિયાની સૌથી ખતરનાક અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 30 પ્રીડેટર ડ્રોન ખરીદવા માટે તૈયાર છે. ભારત આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણે સેનાઓ માટે 10-10 પ્રીડેટર ડ્રોન ખરીદવા માગે છે.
ચીનના આક્રમક વલણને જોતા ભારત સરકાર ચીન પર હવે 1 ટકાનો પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. ચીન એ વિસ્તારવાદી વિચારધાર ધરાવતો દેશ છે જેની નજર ભારતના કેટલાક વિસ્તારો પર પણ છે.
આ ડ્રોન હવામાં સતત 35 કલાક સુધી ઉડ્ડયન કરી શકે છે. તે 50 હજાર ફૂટની ઊંચાઈ પર 3000 કિ.મી.નો પ્રવાસ કરી શકે છે. તે કહેવા માટે જ ડ્રોન છે, પરંતુ તે કોઈપણ એડવાન્સ ફાઈટર જેટ જેટલું જ સક્ષમ છે. તેના પર ખતરનાક મિસાઈલો ફીટ થઈ શકે છે. અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ હોવાની સાથે તે ચૂપકિદીથી ટાર્ગેટ પર સચોટ હુમલો કરવામાં પણ નિપુણ છે. પ્રીડેટર ડ્રોનથી જ અમેરિકાએ ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને માર્યો હતો.