નવી દિલ્હીઃ ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની સમકક્ષ વિકસાવવાની યોજના કેન્દ્ર સરકાર યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે અંગે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2024ના અંત સુધીમાં ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુએસની સમકક્ષ વિકસાવવાની યોજના બનાવી રહી છે.કોંગ્રેસના સાંસદ એલ હનુમંતૈયાના પ્રશ્નના જવાબમાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતોની સંખ્યા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડતા રસ્તાઓના વિસ્તરણ એ સરકારની મુખ્ય ચિંતા છે, જેના માટે તેમનું મંત્રાલય દરેક પગલાં લઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોના મૃત્યુ થાય છે. આ આંકડો યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતા વધુ છે. માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. બ્લેક સ્પોટ ઓળખવામાં આવી રહ્યા છે. વાહન ચાલકોને સરળતાથી ડ્રાઈવિંગ લાયસન્સ મળી રહે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત માર્ગોની સુરક્ષાને લઈને લોકોમાં જાગૃતિ લાવવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.