નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની તાજેતરની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારત 80મા ક્રમે છે. એક નહીં પરંતુ 6 દેશો ટોચના સ્થાને છે. આ દેશો 194 સ્થળોએ તેમના નાગરીકોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. ખાસ વાત એ છે કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આયાદીમાં ટોપ 100 દેશોમાં પણ સામેલ નથી.
યાદીમાં ભારતને 80માં સ્થાન પર રાખવામાં આવ્યું છે. નાગરિકોને 62 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે. વર્ષ 2023માં ભારત આ યાદીમાં 83માં સ્થાને હતુ. આ યાદીમાં ભારતની સાથે ઉઝબેકિસ્તાનનું નામ પણ 80માં સ્થાને છે. ભારતના એક અન્ય પડોશી ચીનને 62મું સ્થાન મળ્યું છે. તેની સાથે પાપુઆ ન્યુ ગિની પણ આ જ સ્થાન પર છે. 104 દેશોની યાદીમાં અફઘાનિસ્થાન છેલ્લા સ્થાને છે.
હેનલી પાસપોર્ટ આન્ડેક્સની 2024ની રેન્કિંગ અનુસાર ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન પ્રથમ સ્થાને છે. તે જ સ્થાને ફિનલેન્ડ, દક્ષિમ કોરિયા અને સ્વીડન બીજા સ્થાને છે. આ ત્રણ દેશોના પાસપોર્ટ ધારકોને 193 સ્થળોએ વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. ઓસ્ટ્રેયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને પાંચ દેશો છે. જેમાં બેલ્જિયમ, લક્ધમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને બ્રિટનમા નામ સામેલ છે. જ્યારે ગ્રીસ, માલ્ટા અને સ્વિટ્ઝર્લેન્ડ પાંચમા સ્થાને છે.
શક્તિશાળી પાસપોર્ટના મામલે વર્ષ 2024 યુરોપીયન દેશો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. કહેવામાં આવે છે કે, યાદીમાં પ્રથમ સ્થાન માટે જાપાન અને સિંગાપોર વચ્ચે જંગ છે. પરંતુ આ વખતે યુરોપીયન દેશો કૂદવામાં સફળ થયા છે. પ્રથમ સ્થાને એશિયાના બે દેશો સાથે ચાર યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.