ભારતનું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા સંલગ્ન દેશોમાં સ્થાનઃ રાજીવ ચંદ્રશેખર
દિલ્હીઃ ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસનનું ટેકનોલોજી આધારિત મોડેલ સફળતાપૂર્વક દર્શાવ્યું છે, ટેકનોલોજીને શાસનમાં સમાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ટેકનોલોજી આધારિત શાસનમાં વિકાસ માટે ભારત સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.
ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલનના ઉચ્ચ સ્તરીય નીતિ સંવાદ દરમિયાન ડિજીટાઈઝેશન સંદર્ભે ભારતની સફળતાની વાત શેર કરી હતી. ભારત, ઇન્ડોનેશિયા અને શ્રીલંકાના મંત્રીઓએ નીતિ સંવાદમાં ડિજિટલ સમાવેશ અને સામાજિક સશક્તિકરણ સંબંધિત તેમના નીતિ અનુભવો શેર કર્યા હતા. આ વેબિનારનું આયોજન UNCTAD મંત્રી પરિષદના 15મા સત્ર પહેલા કરવામાં આવ્યું હતું.
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતની ડિજિટાઇઝેશન સફળતાની વાત વિશ્વને નવીન ઉકેલો પૂરા પાડવા માટે વૈશ્વિક ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત છે. ભારત આજે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા સંલગ્ન દેશોમાંનો એક છે. દેશમાં આશરે 800 મિલિયન લોકો ઓનલાઈન જોડાયેલા છે અને વિશ્વના સૌથી મોટા ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અહીં અમલમાં છે. ડિજિટલ ઓળખ, ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ અને ડિજિટલ સાક્ષરતા સહિત ટેકનોલોજી અને જાહેર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને છેલ્લા છ વર્ષ દરમિયાન નાગરિકો અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવામાં આવ્યું છે. આમ સામાજિક અનુદાનમાં ગેરરીતિઓ દૂર કરવામાં આવી છે. ભારતે સામાન્ય નાગરિક અને નાના ઉદ્યોગોને પણ ટેકનોલોજીની શક્તિ દર્શાવી છે.
UNCTAD ઉચ્ચ સ્તરીય નીતિ સંવાદ દરમિયાન ભારત ટેકનોલોજી આધારિત શાસન અને સામાજિક સમાવેશ માટે ડિજિટલ ટેકનોલોજી અને જાહેર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે.