દિલ્હીઃ- ભારત દેશ ઈન્ટરનેટ સેવાના અવિતરત પણે પ્રદાન કરવાના મામલે ઘણો નબળો સાબિત થયો છે. એટલે કે ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારત નંબર-1 પર છે. એક્સેસ નાઉ અને કિપ ઈટ ઓન ગઠબંધન દ્વારા આ વર્ષે માર્ચમાં તેમના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.
જાણકારી અનુસાર ભારતમાં ઈન્ટરનેટ ડાઉન 2016માં શરૂ થયું હતું. હવે નેટલોસે તેના એક રિપોર્ટમાં કહ્યું છે કે 2023ના પહેલા છ મહિનામાં ભારતમાં ઈન્ટરનેટ બંધ થવાને કારણે 1.9 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,590 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ સાથે જ એવી પણ માહિતી અપાઈ છે કે આ સમયગાળા દરમિયાન મણિપુર અને પંજાબમાં સૌથી વધુ ઈન્ટરનેટ બંધ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પંજાબમાં ખાલિસ્તાનને લઈને ઘણી વખત ઈન્ટરનેટ સેવા ઠપ કરવામાં આવી હતી જ્યા મણીપુરમાં વધતી હિંસાને લઈને વારંવાર ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ હતી .રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારો ઘણીવાર માને છે કે ઈન્ટરનેટ બંધ થવાથી શાંતિ જળવાઈ રહેશે, ખોટી માહિતીનો ફેલાવો અટકશે અથવા સાઈબર સુરક્ષા જોખમોને કારણે થતા નુકસાનમાં ઘટાડો થશે, પરંતુ ઈન્ટરનેટ બંધ આર્થિક પ્રવૃત્તિઓ માટે અત્યંત વિનાશક છે.
આ સહીત નેટલોસે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે શટડાઉનને કારણે વિદેશી રોકાણમાં લગભગ $118 મિલિયન (આશરે રૂ. 968 કરોડ)નું નુકસાન થયું છે અને 21,000થી વધુ નોકરીઓ પણ ગુમાવી છે, એટલે કે માત્ર છ મહિનામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના કારણે 21 હજાર લોકોએ નોકરી ગુમાવી છે.ભારત સરકાર અને રાજ્ય સરકારો જાહેર વ્યવસ્થા જાળવવા માટે ઈન્ટરનેટ બંધનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ભારતમાં શટડાઉનનો રેકોર્ડ તૂટી ગયો છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા છ મહિનામાં ઈન્ટરનેટ બંધ થવામાં ભારત મોખરે રહ્યું છે.
આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ ઈન્ટરનેટ સેવા ઠપ્પ રહી
વર્ષ 2022 માં, ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં 49 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022 વચ્ચે સતત 16 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પછી રાજસ્થાન બીજા ક્રમે છે જ્યાં એક વર્ષમાં 12 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ ત્રીજા નંબર પર હતું જ્યાં સાત વખત ઇન્ટરનેટ બંધ થયું હતું.