નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્રએ જણાવ્યું હતું કે, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં “પેલેસ્ટિનિયન પ્રશ્ન સહિત મધ્ય પૂર્વની સ્થિતિ” પર ખુલ્લી ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે રવિન્દ્રએ આ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલા આઘાતજનક હતા અને અમે તેમને સ્પષ્ટપણે વખોડીએ છીએ. અમારા વડાપ્રધાન જીવનના નુકસાન પર શોક વ્યક્ત કરનારા અને નિર્દોષ પીડિતો અને તેમના પરિવારોને સમર્થન આપનારા પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા. રવિન્દ્રએ કહ્યું, “જ્યારે ઈઝરાયેલ આ આતંકવાદી હુમલાઓનો સામનો કરે છે, ત્યારે અમે સંકટની આ ઘડીમાં તેની સાથે ઊભા છીએ. તેમણે વર્તમાન સંઘર્ષમાં નાગરિકોના મૃત્યુને ગંભીર અને સતત ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોએ નાગરિકોની સુરક્ષા કરવી જોઈએ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની.
રવિન્દ્રએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીમાં નાગરિકોને માનવતાવાદી સહાય મોકલવાના ભારતના પ્રયાસોને પણ રેખાંકિત કર્યા અને કહ્યું કે “ ભારતે આ વિસ્તારમાં 38 ટન ખોરાક અને મહત્વપૂર્ણ તબીબી સાધનો મોકલ્યા છે. ભારતે હંમેશા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવાની વાત કરી છે.
અમે અમારી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખીએ છીએ, જેમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને માહિતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારત આ પડકારજનક સમયમાં પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. બંને દેશો વચ્ચે વાટાઘાટો ફરી શરૂ કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ. ભારત ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષના ન્યાયી, શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે.”