નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ હવે દેશમાં જ સૈન્ય હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે. તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેજસ ફાઈટર જેટ સહિતના હથિયારોની ખરીદી માટે દુનિયાના અનેક દેશોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઈઝરાયેલ અને સ્પેન જેવા દેશો પાસેથી 1.9 લાખ કરોડ રૂપિયા (લગભગ 24 અબજ ડોલર)નો રક્ષા સામાન ખરીદ્યો હોવાનું જાણવા મળે છે જેમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટ રડાર, રોકેટ, બંદૂકો, એસોલ્ટ રાઈફલ્સ, મિસાઈલ અને દારૂગોળોનો સમાવેશ થાય છે.
રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, ભારતે 2017-2018 દરમિયાન લશ્કરી સાધનો માટે 264 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિદેશ સાથે 88 ડીલનો સમાવેશ થાય છે. આ કુલ રકમના 36% છે. 2017-18માં વિદેશની કંપનીઓ પાસેથી 30,677 કરોડ રૂપિયાના, 2018-19માં 38,116 કરોડ રૂપિયાના, 2019-20માં 40,330 કરોડ રૂપિયાના, 2020-21માં 43,916 કરોડ રૂપિયાના અને 2021-22માં 40,820 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટ માટે 59,000 કરોડ રૂપિયાની ડીલ આ યાદીમાં સામેલ કરવામાં આવી નથી.
ભટ્ટે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને રક્ષા હાર્ડવેર એક્વિઝિશન પ્રક્રિયા-2020એ સ્વદેશી રક્ષા ક્ષમતા વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે મુખ્ય નીતિગત પહેલ શરૂ કરી છે. DRDO 73,943 કરોડ રૂપિયાના કુલ મંજૂર ખર્ચે 55 ‘મિશન મોડ’ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.