Site icon Revoi.in

કાશ્મીર પર ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને ભારતે કર્યું નામંજૂર, કહ્યુ- જમ્મુ-કાશ્મીર અમારો અભિન્ન હિસ્સો

Social Share

ચીનનું પાકિસ્તાનને સમર્થન

ચીન-પાકિસ્તાનનું સંયુક્ત નિવેદન

ભારતે ચીન-પાકિસ્તાનના નિવેદને નામંજૂર કર્યું

કાશ્મીર મુદ્દા પર ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવાની વાત પર ભારત સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. ભારત સરકારે ચીન અને પાકિસ્તાનની કાશ્મીર મુદ્દા પર સંયુક્ત નિવેદનને સોય ઝાટકીને નામંજૂર કર્યું છે. વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને નામંજૂર કરીએ છીએ. ભારતે એમ પણ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર અમારું અભિન્ન અંગ છે. મહત્વપૂર્ણ છે કે ચીનના વિદેશ પ્રધાનની તાજેતરની મુલાકાત વખતે બંને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.

ચીને ફરી એકવાર કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન આપવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરતા કહ્યુ છે કે તેઓ કોઈપણ આવી એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે, જે પ્રાદેશિક સ્થિતિને જટિલ બનાવી શકે છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આ વાત કહી હતી.

બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સતત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 1947થી જ આ ભારતીય ક્ષેત્ર પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની બે દિવસની પાકિસ્તાન યાત્રાના સમાપન બાદ રવિવારે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

પોતાની યાત્રા દરમિયાન, ચીનના વિદેશ પ્રધાને વડાપ્રધાન ઈમરાન ખાન, તેમના સમકક્ષ શાહ મહમૂદ કુરૈશી, રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વી અને પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાટાઘાટો કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પાકિસ્તાનની સાર્વભૌમતા, પ્રાદેશિક અખંડિતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગરિમાની સુરક્ષા માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે અને તેની સાથે જ પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં તેના સમર્થનની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

પાકિસ્તાનની મુલાકાત કરીને આવેલા ચીનના ડેલિગેશને કહ્યુ છે કે ચીન કાશ્મીરની હાલની સ્થિતિ પર પણ ધ્યાન આપી રહ્યું છે. તેણે પુનરોચ્ચાર કર્યો છે કે આ મુદ્દો ઈતિહાસથી ચાલી રહેલો વિવાદ છે, તેનું સમાધાન થયું નથી. ચીને કહ્યું છે કે આ વિવાદનો ઉકેલ દ્વિપક્ષીય રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોના આધાર પર યોગ્ય રીતે અને શાંતિથી ઉકેલવો જોઈએ.