ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,288 નવા કોવિડ-19 કેસ નોંધાયા
અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા કોરોનાવાયરસના કેસની વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 19,637 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,103 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,63,949 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 190,50,86,706 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,90,912 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને જાણકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કોરોનાવાયરસ મહામારી ગઈ નથી અને લોકો બેદરકારી દાખવવી જોઈએ નહી. જાણકારોએ તે પણ કહ્યું કે હજુ પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવું જોઈએ અને માસ્ક પણ પહેરવું જોઈએ.