- દેશમાં કોરોનાનો કહેર યથાવત
- દેશમાં ધીમી ગતિએ વધી રહ્યું છે સંક્રમણ
- કોરોના કેસના આંકડા 1 કરોડને પાર
- ભારત વિશ્વનો બીજો દેશ બન્યો
દિલ્લી: અમેરિકામાં એક કરોડ કેસ નોધાયા બાદ શુક્રવારે ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. જયારે કોરોના વાયરસના કેસની સંખ્યા એક કરોડના આંકડાને વટાવી ચુકી છે. દેશમાં મહામારી યથાવત છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૯ મિલિયનથી ૧૦ મિલિયન કેસો સુધી પહોંચવામાં લગભગ ૨૯ દિવસનો સમય લાગ્યો છે.
પ્રથમ મિલિયન કોરોના સંક્રમણના કેસો પછી આ સૌથી ધીમી ગતિ છે. આ ૨૯ દિવસ દરમિયાન સરેરાશ દૈનિક મૃત્યુ પણ ઓછા હતા. પાંચ મિલિયનનો આંકડો પાર કર્યા પછી ભારતમાં કોરોના વાયરસનો ગ્રાફ છેલ્લા ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો ૨૭,૦૨૨ નવા કેસ સાથે ૧ કરોડને વટાવી ગયા છે.
અમેરિકા બાદ બીજા ક્રમે ભારત
શુક્રવારે આ આંકડો વધીને ૧,00 ,0૪ ,૮૯૩ પર પહોંચી ગયો. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧.૭ કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બ્રાઝિલમાં કોરોના વાયરસના ૭૧ લાખ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કેસોમાં બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. બંને દેશોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતની તુલનાએ ઘણા વધુ કેસો અને મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં પ્રતિ મિલિયન મોતનો આંકડો ૧૦૪ પર છે, જે વિશ્વના ૨૦ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સૌથી ઓછું છે. ઇન્ડોનેશિયા એકમાત્ર એવો દેશ છે, જે ૨૦માં ક્રમે છે અને અહીં પ્રતિ મિલિયન મોતનો આંકડો સરેરાશ ૭૧ છે. દૈનિક બાબતોમાં ભારત લગભગ ત્રણ મહિના પહેલા ૧૭ સપ્ટેમ્બરના રોજ ટોચ પર હતું. તે સમયે દેશમાં એક દિવસમાં ૯૮,૭૯૫ કેસ નોંધાયા હતા.
આ ત્રણ મહિનામાં દિલ્હી જેવા કેટલાક રાજ્યોમાં થોડા અઠવાડિયાથી કેસોમાં તેજી જોવા મળી હતી, જોકે તહેવારોની મોસમ હોવા છતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૧૯ નવેમ્બરના રોજ જ્યારે ભારતના કોરોના વાયરસના કેસો જયારે ૯ મિલિયનના આંકડાને વટાવી ગયા, ત્યારે દક્ષિણના રાજ્યોમાં કુલ સંક્રમણના ૩૭% કેસ નોંધાયા હતા.
-દેવાંશી