નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઈકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કરવાની સાથે રૂ. 1,2,5,10 અને 20ના સિક્કાની નવી સિરીઝ જાહેર કરી હતી. આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે. તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સિક્કાને આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરવામાં આવ્યાં છે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વીતેલા વર્ષોમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા, યોગ્ય સમયે સાચા નિર્ણયો દ્વારા પોતાનો એક વારસો બનાવ્યો છે. એક શ્રેષ્ઠ સફર નક્કી કરી છે.
નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય આજથી 11 જૂન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આઈકોનિક સમારોહનું આયોજન કર્યું છે. આ દરમિયાન કોર્પોરેટ કાર્ય મંત્રાલય અને નાણા મંત્રાલયનો પ્રત્યેક વિભાગ પોતાના સમૃદ્ધ ઈતિહાસ અને વારસાની સાથે-સાથે આવનારા પડકારનો સામનો કરવા માટે તત્પરતાનુ પ્રદર્શન કરશે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે જન સમર્થ પોર્ટલ શરૂ કર્યુ હતું. આ પોર્ટલ અલગ-અલગ યોજનાઓને એક જ મંચ પર ઉપલબ્ધ કરાવશે. આ પોતાનામાં પહેલુ એવુ પોર્ટલ હશે જે લાભાર્થીઓને ઋણદાતાઓ સાથે જોડશે. આ કાર્યક્રમમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 1, 2, 5, 10 અને રૂ. 20ના સિક્કાની નવી સિરીઝ પણ જાહેર કરી હતી.