Site icon Revoi.in

ભારત-રશિયા વચ્ચે 2030 સુધીમાં 100 બિલિયન ડોલરનો વેપાર લક્ષ્યાંક : વિદેશ મંત્રી

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ચુકવણી અને લોજિસ્ટિક્સ સંબંધિત પડકારો વચ્ચે ભારત અને રશિયા 2030 સુધીમાં અથવા તે પહેલાં $100 બિલિયનનું વેપાર લક્ષ્ય હાંસલ કરશે. જો કે તે વધુ સંતુલિત અને વધુ અનુકૂળ હોવું જરૂરી છે.

વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર અને રશિયાના નાયબ પીએમ ડેનિસ માન્તુરોવ આજે વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકાર પર ભારત-રશિયા આંતર-સરકારી કમિશનના સહ-અધ્યક્ષ હતા. આ દરમિયાન તેમના પ્રારંભિક નિવેદનમાં, વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ચૂકવણી અને લોજિસ્ટિક્સના સંદર્ભમાં વેપારમાં પડકારો છે અને આ સંદર્ભમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે પરંતુ કેટલાક કામ હજુ કરવાનું બાકી છે.

તેમણે કહ્યું હતું કે, ભારત-રશિયા દ્વિપક્ષીય વેપાર $66 બિલિયન સુધી પહોંચી ગયો છે. તે વધુ સંતુલિત અને વધુ અનુકૂળ હોવું જરૂરી છે. વ્યવસાય કરવાનું સરળ બનાવવાની જરૂર છે. કનેક્ટિવિટીના મુદ્દાને મહત્વપૂર્ણ માનતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર, ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોર અને ઉત્તરીય સમુદ્ર માર્ગને વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ.

પરસ્પર વેપારના મહત્વના ક્ષેત્રોનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, રશિયા ભારત માટે ખાતરના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. ક્રૂડ ઓઈલ, કોલસો અને યુરેનિયમનો પુરવઠો ખરેખર મહત્વપૂર્ણ છે. એ જ રીતે, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ રશિયા માટે સસ્તું અને ભરોસાપાત્ર સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે. તેમને વિશ્વાસ છે કે બંને દેશો 2030 સુધીમાં 100 બિલિયન યુએસ ડોલરનું વેપાર લક્ષ્ય હાંસલ કરશે.