અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે DefExpo22નું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્ડિયા પેવેલિયન ખાતે, પ્રધાનમંત્રીએ HTT-40નું અનાવરણ કર્યું – તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું સ્વદેશી બનાવટનું તાલીમ માટેનું એરક્રાફ્ટ છે. પીએમએ આ કાર્યક્રમ દરમિયાન, મિશન ડેફસ્પેસનો પણ પ્રારંભ કર્યો હતો અને ગુજરાતમાં ડીસા ખાતે એરફિલ્ડના નિર્માણની આધારશિલા મૂકી હતી.
આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તે નવા ભારત અને તેની ક્ષમતાઓના ચિત્રનું આલેખન કરે છે, જેનો સંકલ્પ અમૃતકાળના સમયે આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તે દેશના વિકાસની સાથે-સાથે રાજ્યોના સહકારનું એકીકરણ પણ દર્શાવે છે. “તેમાં યુવાનોની શક્તિ અને સપના સમાયેલા છે, તેમાં યુવાનોનો સંકલ્પ અને ક્ષમતાઓ સમાયેલા છે. તે દુનિયા માટે આશાઓ અને મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો માટે તકો ધરાવે છે.
વિવિધ દેશો તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિભાવની નોંધ લેતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી કે, ભારત જ્યારે પોતાના સપનાઓને આકાર આપી રહ્યું છે ત્યારે આફ્રિકાના 53 મિત્ર દેશો આપણી સાથે કદમતાલ મિલાવીને ચાલી રહ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે બીજા ભારત- આફ્રિકા સંરક્ષણ સંવાદનું પણ આયોજન કરવામાં આવશે. “ભારત અને આફ્રિકા વચ્ચેનો આ સંબંધ સમયની એરણે પરખાયેલા ભરોસા પર આધારિત છે, જે સમયની સાથે સાથે વધુ ઘનિષ્ઠ થઇ રહ્યો છે અને નવાં પરિમાણોને સ્પર્શ કરી રહ્યો છે”. આફ્રિકા અને ગુજરાત વચ્ચેના જૂના સંબંધો પર સૌનું ધ્યાન દોરતા પીએમ મોદીએ આફ્રિકામાં સૌપ્રથમ રેલવે લાઇનમાં કચ્છના લોકોની સહભાગીતાને યાદ કરી હતી. આફ્રિકામાં રોજિંદા જીવનમાં વપરાતા એવા ઘણા શબ્દો છે જેનું મૂળ આફ્રિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં છે. તેમણે આગળ કહ્યું હતુ કે, “મહાત્મા ગાંધી જેવા વૈશ્વિક નેતા માટે પણ, જો ગુજરાત તેમની જન્મભૂમિ હતી, તો આફ્રિકા તેમની પ્રથમ ‘કર્મભૂમિ’ હતી. આફ્રિકા પ્રત્યેની આ લાગણી હજુ પણ ભારતની વિદેશ નીતિમાં કેન્દ્ર સ્થાને છે. કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન, જ્યારે આખી દુનિયાને રસીની ચિંતા હતી, તેવા સમયે ભારતે આફ્રિકામાં આપણા મિત્ર દેશોને પ્રાધાન્ય આપીને તેમને રસી પહોંચાડી હતી”.
આ પ્રદર્શન દરમિયાન 2જી હિંદ મહાસાગર ક્ષેત્ર+ (IOR+) કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવશે, જે પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ શાંતિ, વૃદ્ધિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે IOR+ રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ સહકારને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સંવાદ માટે એક મંચ પૂરો પાડશે. ક્ષેત્રમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસ (SAGAR)ને અનુરૂપ આ સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું, “આજે, આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી માંડીને વૈશ્વિક વેપાર સુધી, સમુદ્રી સુરક્ષાનો મુદ્દો વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવ્યો છે. વૈશ્વિકીકરણના યુગમાં મર્ચન્ટ નેવીની ભૂમિકાનું પણ વિસ્તરણ થઇ રહ્યું છે.” તેમણે આગળ વાત વધરાતા જણાવ્યું હતું, “ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ વધી છે, અને હું વૈશ્વિક સમુદાયને ખાતરી આપું છું કે ભારત તેને પરિપૂર્ણ કરશે. તેથી આ સંરક્ષણ પ્રદર્શન ભારત પ્રત્યે વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક પણ છે.”
વડાપ્રધાને વિકાસ અને ઔદ્યોગિક ક્ષમતાઓના સંદર્ભમાં ગુજરાતની ઉભી થયેલી ખાસ ઓળખને સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, “આ સંરક્ષણ પ્રદર્શન આ ઓળખને નવી ઊંચાઇ આપી રહ્યું છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત આવનારા દિવસોમાં સંરક્ષણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
પીએમ મોદીએ આ પ્રસંગ દરમિયાન ગુજરાતમાં ડીસા ખાતે એરફિલ્ડના નિર્માણની આધારશિલા પણ મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ફોરવર્ડ એરફોર્સ બેઝ દેશના સુરક્ષા માળખામાં ઉમેરો કરશે. આંતરરાષ્ટ્રીય સરહદથી ડીસા નજીક છે આ બાબતની નોંધ લેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે પશ્ચિમી સરહદો પર કોઇપણ શત્રુના દુ:સાહસનો જવાબ આપવા માટે વધુ સારી રીતે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, “સરકારમાં આવ્યા પછી, અમે ડીસામાં ઓપરેશનલ બેઝ સ્થાપવાનું નક્કી કર્યું હતું, અને આપણા દળોની આ અપેક્ષા આજે પૂરી થઇ રહી છે. આ ક્ષેત્ર હવે દેશની સુરક્ષાનું અસરકારક કેન્દ્ર બનશે”.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં કોઇપણ મજબૂત રાષ્ટ્ર માટે સુરક્ષાનો અર્થ શું થશે તે માટે અવકાશ ટેકનોલોજી એ એક દૃશ્ટાંત છે. ત્રણેય સેવાઓ દ્વારા આ ક્ષેત્રમાં વિવિધ પડકારોની સમીક્ષા કરવામાં આવી છે અને ઓળખી કાઢવામાં આવી છે. તેનો ઉકેલ લાવવા માટે આપણે ઝડપથી કામ કરવું પડશે. તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતુ કે, “મિશન ડિફેન્સ સ્પેસ, માત્ર આવિષ્કારને પ્રોત્સાહન આપશે અને આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે એવું નથી પરંતુ તે નવા અને આવિષ્કારી ઉકેલો પણ પૂરા પાડશે”. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, અવકાશ ટેકનોલોજી ભારતની ઉદાર અવકાશ મુત્સદ્દીગીરીની નવી પરિભાષાને આકાર આપી રહી છે, નવી શક્યતાઓને જન્મ આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઘણા આફ્રિકન દેશો અને અન્ય ઘણા નાના દેશો આનો લાભ મેળવી રહ્યા છે”. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે 60 કરાંત વધુ એવા વિકાસશીલ દેશો છે જેની સાથે ભારત તેનું અવકાશ વિજ્ઞાન શેર કરી રહ્યું છે. દક્ષિણ એશિયા ઉપગ્રહ તેનું અસરકારક ઉદાહરણ પૂરું પાડે છે. આવતા વર્ષ સુધીમાં, દસ આસિયાન દેશોને પણ ભારતના સેટેલાઇટ ડેટાનો વાસ્તવિક સમયમાં ઍક્સેસ મળી જશે. તેમણે ઉમેર્યું હતું કે, યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશો પણ આપણા સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે”.
સંરક્ષણ ક્ષેત્રમાં, પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવું ભારત ઉદ્દેશ, આવિષ્કાર અને અમલીકરણના મંત્ર સાથે આગેકૂચ કરી રહ્યું છે. 8 વર્ષ પહેલાં સુધી, ભારત દુનિયાના સૌથી મોટા સંરક્ષણ આયાતકાર તરીકે ઓળખાતું હતું. પરંતુ નવા ભારતે ઇરાદો દર્શાવ્યો છે, ઇચ્છાશક્તિ દર્શાવી છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ આજે સંરક્ષણ ક્ષેત્રે સફળતાની ગાથા બની રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન આપણી સંરક્ષણ નિકાસમાં 8 ગણો વધારો થયો છે. આપણે વિશ્વના 75 થી વધુ દેશોમાં સંરક્ષણ સંબંધિત સામગ્રીઓ અને ઉપકરણોની નિકાસ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, 2021-22માં ભારતમાંથી થયેલી સંરક્ષણ નિકાસનો આંકડો 1.59 અબજ ડૉલર એટલે કે લગભગ 13 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે છે. અને આવનારા સમયમાં અમે આ રકમ 5 અબજ ડૉલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
દુનિયા આજે ભારતની ટેકનોલોજી પર ભરોસો કરી રહી છે કારણ કે ભારતના સૈન્યએ તેમની ક્ષમતા પુરવાર કરી બતાવી છે. ભારતીય નૌકાદળે પોતાના કાફલામાં INS-વિક્રાંત જેવા અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર્સને સામેલ કર્યું છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી ટેકનોલોજીની મદદથી એન્જિનિયરિંગની દૃશ્ટિએ આ વિરાટ અને પ્રચંડ માસ્ટરપીસ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું હતું કે, “ભારતીય વાયુસેના દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલા પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સનું ઇન્ડક્શન કર્યું છે જે ભારતની સંરક્ષણ ક્ષમતાનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
ભારતના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની બાબત પર પ્રકાશ પાડતા, પીએમ મોદીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, સેનાઓએ એવા ઉપકરણોની બે યાદીને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે જેને ફક્ત દેશમાંથી જ ખરીદવામાં આવશે. આવી 101 વસ્તુઓની આ યાદી આજે જાહેર કરવામાં આવી રહી છે. આ નિર્ણયો આત્મનિર્ભર ભારતની ક્ષમતા પણ દર્શાવે છે. આ યાદી આવ્યા પછી, સંરક્ષણ ક્ષેત્રના એવા 411 ઉપકરણો અને ઉપકરણો હશે, જેને ફક્ત “મેક ઇન ઇન્ડિયા” હેઠળ ખરીદવામાં આવશે. પીએમ મોદીએ માહિતી આપી હતી કે, આટલું વિશાળ બજેટ ભારતીય કંપનીઓનો પાયો મજબૂત કરશે અને તેમને નવી ઊંચાઇઓ પર લઇ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેનો સૌથી વધુ લાભ દેશના યુવાનોને પ્રાપ્ત થશે.
પીએમ મોદીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, સંરક્ષણ પુરવઠાના ક્ષેત્રમાં અત્યાર સુધી માત્ર જૂજ કંપનીઓએ બનાવેલા એકાધિકારને દૂર કરવા માટે વિશ્વસનીય વિકલ્પો હવે ઉભરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ભારતના યુવાનોએ સંરક્ષણ ઉદ્યોગમાં આવા એકાધિકારને તોડવાની તાકાત બતાવી છે અને આપણા યુવાનોનો આ પ્રયાસ વૈશ્વિક કલ્યાણ માટે છે.” તેમણે એ વાતને રેખાંકિત કરી હતી કે, દુનિયાના જે નાના દેશો અત્યાર સુધી સંસાધનોની અછતને કારણે તેમની સુરક્ષામાં પાછળ રહી ગયા છે તેઓ હવે આનો મોટો લાભ ઉઠાવી શકશે.
પીએમ મોદીએ રેખાંકિત કર્યું હતું કે, “ભારત, સંરક્ષણ ક્ષેત્રને તકોના અનંત આકાશ તરીકે, સકારાત્મક શક્યતાઓ તરીકે જુએ છે.” સંરક્ષણ ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગે વાત કરતા, પીએમ મોદીએ માહિતી આપી હતી કે, ભારત ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બે સંરક્ષણ કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે અને વિશ્વની ઘણી મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે. તેમણે આ ક્ષેત્રમાં MSMEની શક્તિ પર પણ પ્રકાશ પાડ્યો અને માહિતી આપી કે, આ રોકાણ પાછળ પુરવઠા સાંકળનું વિશાળ નેટવર્ક બનાવતી વખતે આપણા MSME દ્વારા મોટી કંપનીઓને સમર્થન આપવામાં આવશે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “આ ક્ષેત્રમાં આ પ્રકારનાં રોકાણો આવવાથી તે ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની એવી વિશાળ તકોનું સર્જન થશે, જે અંગે પહેલાંના સમયમાં કોઇએ વિચાર્યું પણ ન હતું.”
પીએમ મોદીએ સંરક્ષણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલી તમામ કંપનીઓને ભવિષ્યના ભારતને કેન્દ્રમાં રાખીને આ તકોને આકાર આપવા માટે આહ્વાન કર્યું હતું અને તેમને અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “તમે આવિષ્કાર કરો, દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવાનો સંકલ્પ લો અને મજબૂત વિકસિત ભારતના સપનાને આકાર આપો. તમે હંમેશા મને તમારા આ પ્રયાસોમાં તમને સમર્થન આપતો જોઇ શકશો”.