Site icon Revoi.in

ભારત દુનિયાની મદદે આવ્યું : 20 દેશોને મોકલાવી કોરોનાની રસીના 229 લાખ ડોઝ

Social Share

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાની રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ ભારત દ્વારા દુનિયાના અનેક દેશોને રસી મોકલવામાં આવી છે. 20 દેશોને કોરોના રસીના 229 લાખ ડોઝ મોકલ્યા છે. તેમાંથી 165 લાખ ડોઝ વાણિજયિક ધોરણે મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે બાંગ્લાદેશને 20 લાખ, મ્યાંમારને 17 લાખ, નેપાળને 10 લાખ, ભૂટાનને 1.5 લાખ, માલદિવને એક લાખ , મોરેશિયસને એક લાખ, સેશલ્સને 50 હજાર, શ્રીલંકાને પાંચ લાખ, બહેરિનને તતા ઓમાનને એક એક લાખ, અફઘાનિસ્તાનને પાંચ લાખ, બાર્બાડોસને એક લાખ તથા ડોમિનિકાને 70 હજાર ડોઝ ભેટ તરીકે મોકલ્યા છે. બ્રાઝિલને 20 લાખ, મોરક્કોને 60 લાખ, બાંગ્લાદેશને 50 લાખ, મ્યાંમારને 20 લાખ, ઇજિપ્તને 50 હજાર, અલ્જિરિયાને 50 હજાર, દક્ષિણ આફ્રિકાને દસ લાખ, કુવૈતને બે લાખ તથા યુએઇને બે લાખ ડોઝ કોમર્શિયલ ધોરણે મોકલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.