નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે અનેક દેશોના દેવાથી ડૂબેલા પાડોશી દેશ પર નાદારીનું સંકટ ઊભું થયું છે. શ્રીલંકાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે પરંતુ ભારત તેમાં સૌથી વધુ ભૂમિકા ભજવી રહ્યું છે. ભૂખમરાને સમાપ્ત કરવા માટે, ભારતે શ્રીલંકાને 40000 ટન ચોખાની સપ્લાય કરી છે. મોટી રાહત એ છે કે શ્રીલંકામાં મોટા તહેવાર પહેલા ચોખાનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ભારત તરફથી આ મદદ શ્રીલંકાને થોડી રાહત આપશે.
શ્રીલંકામાં ગંભીર આર્થિક કટોકટી અને મોટા વિરોધને કારણે સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. હિંસા અને વિરોધને જોતા રાષ્ટ્રપતિએ દેશભરમાં કર્ફ્યુની જાહેરાત કરી હતી. પેટ્રોલ પંપ પર ઇંધણ માટે બે કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. ખાદ્ય ચીજવસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો ભૂખ્યા સૂવા મજબૂર છે. પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ કરતાં દૂધ મોંઘુ વેચાઈ રહ્યું છે. એક કપ ચાની કિંમત 100 રૂપિયા થઈ ગઈ છે. મરચા 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. એક કિલો બટાકા માટે 200 રૂપિયા સુધી ચૂકવવા પડે છે. વીજ ઉત્પાદન પર પણ અસર પડી છે. હવે ઘણા શહેરો 12 થી 15 કલાક સુધી પાવર કટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતે શ્રીલંકાને તાત્કાલિક એક અબજ ડોલર આપ્યા છે.