ભારત-શ્રીલંકા ટી-20 સીરિઝઃ શ્રીલંકાના પરેરા અને રોહિત શર્માએ ફટકારી વધારે સિક્સર
નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ટીમ ઈન્ડિયા સાથે ટી-20 અને ટેસ્ટ સીરિઝ રમશે. દરમિયાન તા. 24મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. આમ હવે દર્શકોને ફરી એકવાર રનનો વરસાદ જોવા મળશે. બંને ટીમમાં સૌથી વધારે સિક્સર કુશલ પરેરા અને રોહિત શર્માએ મારી છે. બંને બેસ્ટમેનોએ 14-14 સિક્સર એક-બીજા સામે મારી છે. બંને ટીમો આજે જીતના આશય સાથે મેદાનમાં ઉતરશે.
બંને દેશો વચ્ચે T20માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કુશલ પરેરાના નામે છે. પરેરાએ ભારત સામે નવ મેચમાં કુલ 14 સિક્સર ફટકારી છે. જ્યારે ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ શ્રીલંકા સામે 14 સિક્સર ફટકારી છે. રોહિતે શ્રીલંકા સામે 15 મેચમાં 14 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા ક્રમે શિખર ધવન, ચોથા ક્રમે યુવરાજસિંહ અને પાંચમાં ક્રમે કે.એલ.રાહુલ અને છઠ્ઠા ક્રમે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનો સમાવેશ થાય છે. શિખર ધવને શ્રીલંકા સામે 12 મેચમાં 12 સિક્સર, યુવરાજસિંહે 9 ટી-20માં 11, ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેસ્ટમેન કે.એલ.રાહુલે 8 મેચમાં 10 અને શ્રીલંકાના કેપ્ટન દાસુનએ 15 મેચમાં 10 સિક્સર ફટકારી છે. આજે બંને ટીમ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. જેમાં રનનો વરસાદ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભારતીય ટીમના બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ અને બોલર દીપક ચહર ઈજાના કારણે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ ગુમાવે તેવી શકયતા છે.