T20 વિશ્વકપમાં ભારતનો વિજયથી આરંભ, આયરલેન્ડ સાથે આઠ વિકેટથી જીત
નવી દિલ્હીઃ T-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (52)ની મદદથી ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આયરલેન્ડ 16 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જેના જવાબમાં ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ 16 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 12.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રિષભ પંતે 13મી ઓવરમાં બેરી મેકકાર્થીની બોલ પર રિવર્સ સ્કૂપ સાથે સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 52 રન બનાવ્યા હતા. જોકે, તે નિવૃત્ત થઈ ગયો હતો. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી. હવે ભારતીય ટીમ ગ્રુપ-Aમાં બે પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે. તેની આગામી મેચ 9 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે.