ભારતઃ ત્રણ શ્રેણીની સિરીંજના જથ્થાત્મક નિકાસ ઉપર ત્રણ મહિનાનો પ્રતિબંધ
દિલ્હીઃ દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. બીજી તરફ સિરીંજની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે નિકાસ પર જથ્થાત્મક પ્રતિબંધો લગાવાયા છે. અલગ-અલગ ત્રણ પ્રકારની સિરીંજની નિકાસ ઉપર માત્રાત્મક પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે.
ઘરેલું રસી ઉત્પાદકો અને સિરીંજ ઉત્પાદકોએ ભારતમાં વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ કાર્યક્રમના અસરકારક અમલીકરણમાં મહત્વની અને અહમ ભૂમિકા ભજવી છે. ભારતમાં અત્યાર સુધીમાં રસીના લગભગ 94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આ આંકડો 100 કરોડ ડોઝની નજીક છે.
ભારતના છેલ્લા નાગરિકને રસી આપવાની મક્કમ રાજકીય પ્રતિબદ્ધતા સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ ના સ્વપ્નને પૂર્ણ કરતા સરકારે તેમની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે સિરીંજની નિકાસ પર જથ્થાત્મક પ્રતિબંધો લાદ્યા છે. ટૂંકા શક્ય સમયમાં તમામ પાત્ર નાગરિકોને રસી આપવા માટે કાર્યક્રમની ગતિ જાળવી રાખવા માટે સિરીંજ મહત્વપૂર્ણ છે.
રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી સિરીંજની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના હેતુથી, ભારત સરકારે 0.5 મિલી/1 મિલી AD (ઓટો-ડિસેબલ) સિરીંજ, 0.5 મિલી /1 મિલી/ 2 મિલી/ 3 મિલી નિકાલજોગ સિરીંજ, 1 મિલી / 2 મિલી / 3 મિલી RUP (ફરી ઉપયોગ નિવારણ) સિરીંજની નિકાસ પર આ માત્રાત્મક પ્રતિબંધ લાદ્યો છે.
તેમજ એવુ પણ સ્પષ્ટ કરાયું છે કે, કોઈ પણ પ્રકારની સિરીંજ પર કોઈ નિકાસ પ્રતિબંધ નથી, તે માત્ર ત્રણ મહિનાના મર્યાદિત સમયગાળા માટે ચોક્કસ પ્રકારની સિરીંજની નિકાસ પર માત્રાત્મક પ્રતિબંધ છે. ઉપરોક્ત કેટેગરી સિવાય કોઈ પણ કેટેગરી અને સિરીંજના પ્રકાર પર જથ્થાત્મક પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી.