ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે, NFSUમાં 5G લેબોરેટરી કાર્યરત બની
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને “100 5G લેબ્સ ” અંતર્ગત ફાળવાયેલી 5G લેબોરેટરીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન તા.27મીને ગુરૂવારના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ખાતે કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ NFSUના યુવા સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા.
NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે વડાપ્રધાનની દૂરંદેશીને બિરદાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ગતિશીલ નેતૃત્વ હેઠળ આ પ્રકારની અનોખી પહેલથી ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે. આ 5G લેબ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ સમુદાયો વચ્ચે સક્ષમતા અને સાયુજ્ય સ્થાપશે તથા વિકસી રહેલી કોમ્યુનિકેશન ટેક્નોલોજી-ઓપરેશનલ ટેક્નોલોજીમાં હાઇપર-લોકલ ડિજિટલ ઇનોવેશન માટેની નવી તક સર્જશે.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU, ગાંધીનગરે જણાવ્યું હતું કે સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરને વડાપ્રધાન દ્વારા 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગ છે. આ લેબને ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ભારત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે. યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી 5G લેબોરેટરી માટે NFSUના એસોસિયેટ પ્રોફેસર અને હેડ, સીઓઈ ઇન સાયબર સિક્યોરિટી ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ દ્વારા વિશિષ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ હવે આ લેબના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્ય કરશે. આ લેબ રિસર્ચ માટે અને સાયબર ફોરેન્સિક્સ સંબંધિત કેસોના ઉકેલ માટે કામ કરશે. આ લેબ ભારતની વિશિષ્ટ જરૂરિયાતો તેમજ વૈશ્વિક માંગ બંનેને પૂરી કરવા સમર્થ બની રહેશે.
આ વર્ચ્યૂલ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ગોવા; પ્રો. (ડૉ.) સતીશ કુમાર, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ભોપાલ; પ્રો. (ડૉ.) પી. મૈતી, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ગુવાહાટી; વિવિધ સ્કૂલ્સના ડીન, અધ્યાપક ગણ અને NFSUના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.