નવી દિલ્હીઃ 1 ડિસેમ્બર 2022ના રોજ, ભારતે એક વર્ષ માટે G20 સમૂહના દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે. 30મી નવેમ્બર 2023ના રોજ પૂરા થતા આ અધ્યક્ષતાના સમયગાળા દરમિયાન ભારત, 55 સ્થળોએ 200 થી વધુ બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે. તેમાંથી 4 બેઠકો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલય પોતાની અલગ અલગ સ્થાનિક કચેરીઓ અને ITDC દ્વારા ટેક્સી/કેબ ડ્રાઇવરો, પ્રવાસી પરિવહન ડ્રાઇવરો, હોટેલના ફ્રન્ટલાઇન સ્ટાફ, ટુરિસ્ટ ગાઇડ વગેરે સહિત પર્યટન ક્ષેત્રના હિતધારકો માટે કૌશલ્ય પ્રશિક્ષણ અને સંવેદના કાર્યક્રમોનું આયોજન કરે છે. સોફ્ટ સ્કિલના તાલીમ કાર્યક્રમોમાં શિષ્ટાચાર, કાર્યસ્થળ અને વ્યક્તિગત સ્વચ્છતા, કોવિડ સંબંધિત પ્રોટોકોલ, વિદેશી ભાષા વગેરે સહિત બીજી ઘણી બાબતોને સમાવી લેવામાં આવી છે. સમગ્ર ભારતમાં G 20ની બેઠકો યોજવાની છે તે સ્થળો પર અત્યાર સુધીમાં 2000 થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, તેમજ આવનારા થોડા મહિનાઓ સુધી હજુ વધુ તાલીમ કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે.
પર્યટન મંત્રાલય દ્વારા ગૃહ મંત્રાલય અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) સાથે સંકલન સાધીને નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે 19 ઓક્ટોબર 2022ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગના મહાનિદેશક/ઇન્સ્પેક્ટર જનરલ્સ (DG/IG)ની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું જેમાં યુનિફોર્મ ટુરિસ્ટ પોલીસ સ્કીમના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટુરિસ્ટ પોલીસ યોજના પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય પર્યટન મંત્રાલયની સાથે મળીને ગૃહ મંત્રાલય, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને એક જ મંચ પર લાવવાનો હતો, જેથી તેઓ ઘનિષ્ઠતાપૂર્વક સંકલનમાં સાધીને સૌ સાથે મળીને કામ કરી શકે અને યુનિફોર્મ ટુરિસ્ટ પોલીસ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓની ચોક્કસ જરૂરિયાતો વિશે તેમને સંવેદનશીલ બનાવી શકાય.
નેશનલ ડિજિટલ ટુરિઝમ મિશન (NDTM)નો ઉદ્દેશ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની જેમ જ પર્યટન ઇકો-સિસ્ટમમાં હિતધારકોને ડિજિટલ રીતે જોડવાનો છે. પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓને એકીકૃત પ્રણાલી હેઠળ લાવવા અને આ પ્રકારે આતિથ્ય અને પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે ડિજિટલાઇઝેશન ચાવીરૂપ પાસું છે. NIDHI+ને NDTM ના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે જોવામાં આવે છે.
RCS UDAN-3 પર્યટન હેઠળ, પર્યટન મંત્રાલય દ્વારા કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાના હેતુથી અને આઇકોનિક સાઇટ્સ સહિત મહત્વપૂર્ણ પર્યટન સ્થળોની વધુ સારી કનેક્ટિવિટી માટે પર્યટન માર્ગોનો સમાવેશ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 31 પર્યટન માર્ગો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલયે 28 નવા પર્યટન માર્ગોને સામેલ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે; તેથી, મંજૂર કરવામાં આવેલા પર્યટન RCS હવાઇ માર્ગોની કુલ સંખ્યા હવે 59 થઇ ગઇ છે.
પર્યટન મંત્રાલયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના પૂર્વોત્તર રાજ્યોની પર્યટન ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે NERમાં આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું આયોજન કર્યું હતું. મિઝોરમ રાજ્ય સરકારના સહયોગથી મિઝોરમના આઇઝોલમાં 17 થી 19 નવેમ્બર 2022 દરમિયાન પૂર્વોતત્ર ક્ષેત્ર માટે 10મા ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ (ITM)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ટના આયોજનથી પૂર્વોત્તર પ્રદેશના આઠ રાજ્યોના પર્યટન વેપાર સાથે સંકળાયેલા લોકો અને ઉદ્યોગસાહસિકોને એક સહિયારા મંચ પર એકજૂથ કરી શકાયા હતા. ITM મિઝોરમ અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોના પર્યટન હિતધારકોને આ પ્રદેશમાં અત્યાર સુધી લોકોની જાણ બહાર રહેલા પર્યટન સ્થળોનું પ્રદર્શન કરવા માટે એક માર્ગ પૂરો પાડે છે.
દેશમાં પર્યટનના વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા 18 થી 20 સપ્ટેમ્બર 2022 દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે રાજ્યોના પર્યટન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વિવિધ રાજ્યોના પર્યટન મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રાલયો, પર્યટન અને આતિથ્ય સંગઠનો, મીડિયાના પ્રતિનિધિઓ વગેરેએ હાજરી આપી હતી. પરિષદનો ઉદ્દેશ ભારતમાં પર્યટન ક્ષેત્રના વિકાસ અને વૃદ્ધિ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિવિધ દૃષ્ટિકોણ જાણવાનો અને ભારતમાં એકંદરે પર્યટનમાં સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ, નીતિઓ અને પગલાંઓ પર રાજ્યો સાથે સીધો સંવાદ રચવાનો હતો. પરિષદ દરમિયાન, પર્યટન ક્ષેત્રે દેશભરમાં અમલમાં મૂકવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો, સફળ પ્રોજેક્ટ્સ અને પર્યટન ઉત્પાદનની તકોને વિવિધ પ્રતિનિધિઓ અને મીડિયા સાથે શેર કરવામાં આવી હતી. પરિષદમાં મંત્રાલયની વિવિધ નીતિઓ અને કાર્યક્રમો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પર્યટન સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસ, સાંસ્કૃતિક, ધરોહર અને આધ્યાત્મિક પર્યટન, હિમાલય ક્ષેત્રના રાજ્યોમાં પર્યટન, જવાબદાર અને ટકાઉ પર્યટન અને G-20 બેઠકોના પર્યટન સંબંધિત પાસાઓને સમાવી લેવામાં આવ્યા હતા.
પર્યટન મંત્રાલયે યુનાઇટેડ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) અને રિસ્પોન્સિબલ ટુરિઝમ સોસાયટી ઓફ ઇન્ડિયા (RTSOI) સાથે મળીને નવી દિલ્હી ખાતે ટકાઉ અને જવાબદાર પ્રવાસન ગંતવ્યોનો વિકાસ કરવા પર રાષ્ટ્રીય મંત્રણાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે, પર્યટન મંત્રાલયે ટકાઉ પર્યટન અને જવાબદાર પ્રવાસી અભિયાન માટે રાષ્ટ્રીય વ્યૂહરચનાની શરૂઆત કરી હતી. વ્યૂહરચના સંબંધિત દસ્તાવેજમાં પર્યાવરણીય ટકાઉપણું, જૈવવિવિધતાને પ્રોત્સાહન, આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન, સામાજિક-સાંસ્કૃતિક સ્થિરતાને પ્રોત્સાહન, ટકાઉ પર્યટનના પ્રમાણપત્ર માટેની યોજના, IEC અને ક્ષમતા નિર્માણ જેવા ટકાઉ પર્યટનના વિકાસ માટે વ્યૂહાત્મક સ્તંભોની ઓળખ કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત કરતી વખતે, સચિવ (પર્યટન) દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે સ્વદેશ દર્શન 2.0 દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અને પહેલોમાં ટકાઉ અને જવાબદાર પર્યટન આચરણોનો અમલ કરવામાં આવશે.
મંત્રાલયે 21 જૂન, 2022ના રોજ તેલંગાણાના સિકંદરાબાદ ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ-2022 (IDY-2022) દિવસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ હતા. પર્યટન, સંસ્કૃતિ અને DoNER મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ ખ્યાતનામ, ખેલ અગ્રણી, તેલંગાણા અને ભારત સરકારના વિવિધ વિભાગોના વડાઓ અને પર્યટન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 10,000 લોકોએ ભાગ લીધો હતો. મંત્રાલયની સ્થાનિક કચેરીઓએ પણ દેશના વિવિધ સ્થળોએ IDY કાર્યક્રમોનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી.
સમગ્ર દેશમાં પર્યટનને વેગ આપવાના ઉદ્દેશથી પર્યટન મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી, 2022ના રોજ નવી દિલ્હી ખાતે મેસર્સ એલાયન્સ એર એવિએશન લિમિટેડ (AAAL) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પર્યટનની તકોનું સર્જન કરતા બજારોમાં ભારતને પસંદગીના પર્યટન સ્થળ તરીકે સ્થાન આપવા માટેનો મંત્રાલયનો આ પ્રયાસ છે જ્યારે મેસર્સ એલાયન્સ એર એવિએશન લિમિટેડ તેના વિશાળ સ્થાનિક નેટવર્ક સાથે ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંયુક્ત સ્થાનિક પ્રોત્સાહનના સહિયારા ઉદ્દેશને સિદ્ધ કરવા અને પર્યટન બજારોમાં MoT અને AAAL ની પ્રવૃત્તિઓ વચ્ચે સુમેળ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પર્યટન મંત્રાલયે વિદેશમાં આવેલી પોતાની કચેરીઓના માધ્યમથી દુબઇ ખાતે અરેબિયન ટ્રાવેલ માર્ટ અને લંડનમાં વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ જેવા મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો, જેમાં DMC, ઇનબાઉન્ડ ટૂર ઓપરેટર્સ, હોટેલીયર્સના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રદર્શનોમાં મંત્રાલયની ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઉદ્યોગમાં ભારતને 360 ડિગ્રી ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો.