નવી દિલ્હીઃ ભારત 2024માં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે સ્થાનિક માંગ, નીતિઓમાં સાતત્ય, માળખાકીય વિકાસ અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન અર્થતંત્રમાં વૃદ્ધિના કારણો છે.
‘ક્રેડિટ કંડીશન્સ-એશિયા-પેસિફિક H2 2024 ક્રેડિટ આઉટલુક’ રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. આમાં મૂડીઝે કહ્યું છે કે 2024ના પહેલા છ મહિનામાં ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને ભારત વિકાસ દરની આગેવાની કરશે. મૂડીઝ કહે છે કે સારી કોર્પોરેટ કમાણી ભારત અને આસિયાન અર્થતંત્રોમાં વધુ પોર્ટફોલિયો રોકાણ તરફ દોરી જશે.
મે મહિનામાં મૂડીઝે અનુમાન લગાવ્યું હતું કે વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતીય અર્થતંત્ર 6.8 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તે જ સમયે, આ દર 2025 માં 6.5 ટકા થઈ શકે છે. તેનું કારણ લોકસભા ચૂંટણી પછીની નીતિઓમાં સાતત્ય છે.
સરકારી આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.2 ટકા રહી હતી, જે વિશ્વમાં સૌથી ઝડપી વૃધ્ધિ હતી. આરબીઆઈએ જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે, જે અગાઉ 7 ટકા હતો. સેન્ટ્રલ બેંક દ્વારા જીડીપી વૃધ્ધિનો અંદાજ વધવાનું કારણ સામાન્ય કરતાં સારું ચોમાસું છે.