નવી દિલ્હીઃ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)ના અહેવાલ અનુસાર દ્વિચક્રી વાહનોના સેગમેન્ટમાં છેલ્લા નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ તે હજુ પણ કોવિડ રોગચાળા પહેલાના આંકડા કરતાં ઘણી ઓછી છે. આગામી દિવસોમાં વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “ભારતમાં 2-વ્હીલર સેગમેન્ટે 12% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે, પરંતુ તે કોવિડ કરતા 9% ઓછી છે. હાલ ભારત ફુગાવાના દબાણ હેઠળ છે.” આવનારા મહિનાઓમાં ટુ-વ્હીલર અને ટ્રેક્ટર જેવા સેગમેન્ટ્સ જોવાનું રસપ્રદ રહેશે, કારણ કે ભારતીય હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય ભારતના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાની આગાહી કરી છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું હતું કે “મુખ્ય કૃષિ પર નિર્ભર ગ્રામીણ આવક પર તમે અસર જોઈ શકો છો, જેની અસર વાહનોની માંગ પર પડશે. ભારતમાં ઉનાળાના દિવસોમાં અલ નીનોની અસર જોવા મળવાની શકયતા છે. આનાથી ચોમાસું નબળું પડી શકે છે અને ગ્રામીણ ભારતના વિકાસમાં અવરોધ આવી શકે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં તાજેતરના કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ મુખ્ય રવિ પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેથી વાહનોના ગ્રામીણ વેચાણ પર નકારાત્મક અસર જોવા મળવાની શકયતા છે.
માર્ચ 2023ની કામગીરી અંગે ટિપ્પણી કરતાં, FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “માર્ચ 2023ના વેચાણમાં વાર્ષિક ધોરણે 14%નો વધારો નોંધાયો હતો. ટ્રેક્ટરને બાદ કરતાં અન્ય તમામ કેટેગરીમાં વૃદ્ધિ જોવા મળી છે. ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોમાં અનુક્રમે 12%, 69%, 14% અને 10% નો વધારો જોવા મળ્યો હતો, જોકે, ટ્રેક્ટરના વેચાણમાં માત્ર 4% નો વધારો થયો હતો. (Photo-file)