ભારત સેમી કંડક્ટરના ઉત્પાદનની સાથે ટેકનોલોજી સેકટરમાં વધારે તાકાતવાર બનશે
અમદાવાદઃ દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ તરીકે ઓળખાતા તાઈવાનની કંપની ફોક્સર્કોન સાથે મળીને ભારતીય કંપની વેદાંતા સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. જેથી આગામી દિવસોમાં અહીં જ સેમીકંડક્ટરનું ઉત્પાદન થશે, જેના પરિણામે સેમીકંડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનવાની સાથે ટેક સેકટરમાં વધારે તાકાતવાર બનશે, ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમીકંડક્ટર્સને કારણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતમાં અનેક ગણો ઘટાડો થશે. એટલું જ નહીં આયાતમાં પણ 40 ટકા જેટલો ઘટાડો થશે.
અમદાવાદની નજીક સેમીકંડક્ટર પ્લાન્ટના સ્થાપના બાદ અહીં જ તેનું ઉત્પાદન થશે. જેથી દેશની સેમીકંડક્ટરની જરૂરિયાતો પુરી કરવાની સાથે દુનિયાના અન્ય દેશોને પણ નિકાસ કરવામાં આવશે. જેના પરિણામ સ્વરૂપે ભારતમાં વિદેશી નાણા આવશે. ગુજરાતમાં કંપની લગભગ 1.54 લાખ કરોડનું રોકાણ કરશે. જેમાં વેદાંતાનો હિસ્સો 60 ટકા અને તાઈવાનની કંપનીની 40 ટકા ભાગીદારી હશે.
મોબાઈલ ફોન, કાર, ટીવી, રેડિયો સહિતની ઈલેક્ટ્રોનિંક વસ્તુઓમાં સેમીકંડક્ટરનો ઉપયોગ થાય છે. આમ જો હવે ભારતમાં જ સેમી કંડક્ટરના ઉત્પાદનથી ઈલેકટ્રોનિક વસ્તુઓનું પણ સરળતાથી ઉત્પાદન થશે. જેના પરિણામે ભારતીય રૂપિયાને વિદેશ જતા અટકાવી શકાશે, બીજી તરફ આગામી દિવસોમાં સેમી કંડક્ટર અને ઈલેક્ટ્રીક વસ્તુઓની ભારત નિકાસ કરવાની પરિસ્થિતિ આવશે. આમ ભારતની આવકમાં વધારો થશે.
ભારતની આત્મનિર્ભરતા વધવાની સાથે ચીનના વેપારને પણ મોટી અસર પડશે. ભારતમાં સૌથી વધારે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત ચીનમાંથી થાય છે. પરંતુ આ પ્લાન્ટને પગલે ભારતને કોઈની પાસે મદદની આશા રાખવી નહીં પડે. આત્મનિર્ભર બની રહેલુ ભારત હવે આગામી દિવસોમાં વિદેશથી મોબાઈલ ફોન, લેપટોપ અને ઈલેકટ્રીક વાહનો આયાત કરવાને બદલે પોતાની ઘરતી ઉપર જ સરળતાથી ઉત્પાદન કરી શકશે.