Site icon Revoi.in

ભારત વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનશે,6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત થશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનો પ્રયાસ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. ભવિષ્યમાં સેમિકન્ડક્ટરની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.દેશમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.આ છ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં વિવિધ કંપનીઓ દ્વારા લગભગ રૂ. 2.36 લાખ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

અદાણી ગ્રૂપ અને ટાવર સેમિકન્ડક્ટર પ્લાન્ટઃ ભારતના અદાણી ગ્રૂપ અને ઈઝરાયેલી કંપની ટાવર સેમિકન્ડક્ટર દ્વારા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પનવેલમાં સ્થપાઈ રહેલા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી મળી છે. આ પ્રોજેક્ટમાં બે તબક્કામાં કુલ રૂ. 83,947 કરોડનું રોકાણ કરવામાં આવશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી, તેની ઉત્પાદન ક્ષમતા દર મહિને 40,000 ચીપ્સની હશે. તે જ સમયે, બીજો તબક્કો પૂર્ણ થયા પછી, તેની ક્ષમતા દર મહિને 80,000 ચીપ્સ હશે.

માઈક્રોન ઓએસએટી પ્લાન્ટઃ અમેરિકન ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની માઈક્રોન આશરે રૂ. 23,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના સાણંદ જિલ્લામાં આઉટસોર્સિંગ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ યુનિટ (OSAT) પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. ભારતમાં સ્થપાયેલો આ પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં DRAM અને NAND ઉત્પાદનોની એસેમ્બલી અને પરીક્ષણ કરવામાં આવશે.તેમાં બનેલી ચિપ્સ સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં સપ્લાય કરવામાં આવશે.આ પ્લાન્ટ આવતા વર્ષના મધ્ય સુધીમાં શરૂ થઈ શકે છે. આ માટે કેન્દ્ર સરકાર 50 ટકા અને ગુજરાત સરકાર 20 ટકા આર્થિક સહાય આપી રહી છે.

ટાટા-પીએસએમસી સેમિકન્ડક્ટર પ્લાન્ટ: ભારતનું ટાટા જૂથ, તાઈવાનની કંપની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે મળીને, ધોલેરા, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ)નું નિર્માણ કરી રહ્યું છે. માર્ચ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટમાં 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મૂડી ખર્ચના 50 ટકા યોગદાન આપશે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દર મહિને 50,000 ચીપ્સની હશે. ધોરેલા પ્લાન્ટમાંથી સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થઈ શકે છે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ: ટાટા ઈલેક્ટ્રોનિક્સ આસામના મોરીગાંવમાં જાગીરોડ ખાતે ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા સ્થાપી રહી છે. નોર્થ ઈસ્ટમાં સ્થાપિત થનારો આ પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં લગભગ 27,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

સીજી પાવર સાણંદ ઓએસએટી પ્લાન્ટ: ભારતીય કંપની સીજી પાવર, જાપાનના રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડના સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી, ગુજરાતના સાણંદમાં એક અત્યાધુનિક OSAT પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. આગામી પાંચ વર્ષમાં આ પ્લાન્ટમાં લગભગ રૂ. 7,600 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ અને 5G ટેક્નોલોજીમાં વપરાતા સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ લગભગ 1.5 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે.

કાયન્સ સેમીકોન પ્લાન્ટ : કાયન્સ સેમીકોન રૂપિયા 3,307 કરોડના રોકાણ સાથે ગુજરાતના સાણંદમાં OSAT પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્લાન્ટમાં દરરોજ લગભગ 63 લાખ ચિપ્સ બનાવવામાં આવશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં કેબિનેટ દ્વારા આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ, કેન્દ્ર સરકાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીઓને 50 ટકા મૂડી સહાય પૂરી પાડે છે.