દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન પુરુ પાડીને ભારતને નુકસાન કરવાની મેલી મુરાદ ધરાવે છે. દરમિયાન ભારત પોતાની હવાઈ સુરક્ષાને વધારે મજબુત બનાવવા રશિયા પાસેથી મિગ 29 અને સુખોઈ 30ની ખરીદી કરશે. રશિયાથી 21 મિગ 29 અને 12 સુખોઈ ફાઈટર પ્લેનની ખરીદી કરવામાં આવશે. એર ફોર્સમાં આ વિમાનોના સામેલ થવાથી આ પ્રકારના વિમાનોની સંખ્યા વધીને 59 થઈ જશે. જ્યારે સુખોઈના આવવાથી આ પ્રકારના લડાકુ વિમાનોની સંખ્યા 272 થઈ જશે. આમ એર ફોર્સની તાકાતમાં વધારો થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર એર ફોર્સમાં વિમાનોની કમીને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે ખરીદ પ્રક્રિયા પહેલાંથી સરળ બનાવી છે. આ જ ક્રમમાં 36 રફાલ લડાકુ વિમાનોનો સોદો થયો હતો. ભારતની પાસે લડાકુ વિમાનોની આશરે 33 સ્ક્વોર્ડન છે. પ્રત્યેક સ્ક્વોડ્રનમાં 16 વિમાન હોય છે અને બે ટ્રેનર વિમાન સામેલ હોય છે. દરમિયાન જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2028 સુધીના સમયગાળામાં એર ફોર્સમાં નવા 83 તેજસ સામેલ કરવામાં આવશે. હાલ મિગ-21, મિગ-23 અને મિગ-27 જૂનાં પડ્યાં છે અને એ ધીમે-ધીમે સેવામાં બહાર થશે. તેમજ નવા ફાઈટર પ્લેન સામેલ કરવામાં આવશે. ભારત આગામી દિવસોમાં રશિયા પાસેથી 21 જેટલા મિગ 29 અને 12 જેટલા સુખોઈ ફાઈટર પ્લેનની ખરીદી કરશે. એના માટે રશિયાને ટૂંક સમયમાં આરએફપી એટલે કે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ મોકલવામાં આવશે.