Site icon Revoi.in

નેપાળમાં આવેલા ભૂકંપને લઈને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું , કહ્યું ‘નેપાળના લોકો સાથે છે ભારત’, દરેક સંભવિત મદદનો કર્યો વાયદો

Social Share

દિલ્હીઃ- નેપાળમાં વિતેલી રાતે ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 130 જેટલા લોકોના મોત થયા છે ત્યારે હવે નેપાળની ખરાબ સ્થિતિ પર પીએમ મોદીએ નેપાળને દરેક સંભવિત મદદ કરવાનો વાયદો કર્યો છે અને કહ્યું કે આ સંકટ સમયમાં ભારત નેપાળની સાથે છે.

પ્રાપ્ત માહિતી મુજબ  હવે નેપાળમાં તબાહીના દ્રશ્યો વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપમાં જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

નેપાળના ભૂકંપ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે  પશ્ચિમ નેપાળના દૂરના પર્વતીય ક્ષેત્રમાં શુક્રવારે મધ્યરાત્રિએ આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા નેપાળમાં આ ભૂકંપ રાત્રે 11 વાગ્યેને 40 મિનિટ આસપાસ આવ્યો હતો, તેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું.

આ સહીત ભૂકંપની અસર કાઠમંડુ, તેની આસપાસના જિલ્લાઓ અને પડોશી દેશ ભારતની રાજધાની નવી દિલ્હીમાં પણ અનુભવાઈ હતી. સરકારી નેપાળ ટેલિવિઝન અનુસાર, પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. જો કે હજી પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.

 નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ આજરોજ શનિવારે સવારે તબીબી ટીમ સાથે ઘટના સ્થળ માટે રવાના થયા હતા. તેમણે જણાવ્યું કે નેપાળ આર્મી અને નેપાળ પોલીસ બચાવ કાર્યમાં તૈનાત છે. દેશની ત્રણેય સુરક્ષા એજન્સીઓ – નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળો બચાવ કામગીરીમાં તૈનાત છે.