નવી દિલ્હીઃ G20ની અધ્યક્ષતા દરમિયાન ભારત યુક્રેન સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને સહમતી બનાવવાનો પ્રયાસ કરશે. તેમ વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે જણાવ્યું હતું.
ભારતે એક ડિસેમ્બરના રોજ એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. પ્રથમ દિવસે નવી દિલ્હીમાં G20 વિશ્વવિદ્યાલય સંપર્ક-યુવાઓની ભાગીદારી વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 75 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ મોડથી જોડાયા હતા.
ડો. એસ. જયશંકરે કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ભારત એશિયા, આફ્રિકા અને લેટીન અમેરિકા સહિત વિશ્વના દક્ષિણ દેશોના અવાજ તરીકે આગળ આવવાનો પ્રયાસ કરશે. આ દેશોએ વિકસિત વિશ્વમાં ધ્રુવીકરણ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.
તેમણે જણાવ્યું કે, ભારત G20ની અધ્યક્ષતા દરમિયાન ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય દેખભાળ અને જળવાયુ સંબંધિત અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. વિદેશમંત્રીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ સમયે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. વૈશ્વિક નેતાઓ ઉચિત મુદ્દાઓ વિશેષ રૂપે વિશ્વના વંચિત વર્ગના લોકોના મુદ્દાઓ અંગે ધ્યાન કેન્દ્રિત કરશે. વિવિધ સૌહાર્દપૂર્ણ બનવું તે ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે.