ભારત શ્રીલંકાની ચૂંટાયેલી સરકાર સાથે મળીને કામ કરશેઃ અજિત ડોભાલ
બેંગ્લોરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગત શુક્રવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઘણા પ્રતિસ્પર્ધી નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને વ્યાપક રાજકીય ચર્ચાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોભાલની શ્રીલંકા મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અજીત ડોભાલ ‘કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ’ (CSC)માં ભાગ લેવા માટે શ્રીલંકા પહોંચી ગયા છે. જે દરમિયાન ડોભાલ વિક્રમસિંઘે, પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દને, મુખ્ય વિપક્ષી નેતા સજિત પ્રેમદાસા અને માર્ક્સવાદી JVP નેતા અનુરા કુમારા દિસાનાયકેને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ડોભાલે કહ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સહયોગને વધુ મજબૂત કરવાની અપાર સંભાવનાઓ છે.
ભારતીય મૂળના તમિલોના રાજકીય પક્ષના નેતા મનો ગણેશને જણાવ્યું હતું કે, “અમે ભારત અને શ્રીલંકા બંનેની સુરક્ષા પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત શ્રીલંકામાં કોઈપણ ચૂંટાયેલી સરકાર સાથે મળીને કામ કરશે.” આ દરમિયાન ડોભાલ નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દિસાનાયકે અને એસજેબીના પ્રમુખપદના ઉમેદવાર અને મુખ્ય વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસાને પણ મળ્યા હતા.